અમરેલીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં આબાદ બચી ગયેલા લોકોમાં એક અમરેલીનો પરિવાર પણ સામેલ છે. તેમનો જીવ તેમની 5 વર્ષની બાળકીને કારણે બચ્યો હોવાનું પરિવાર જણાવી રહ્યો છે.
‘દીકરીએ ના પાડતાં બચી ગયા’
સાવરકુંડલા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક પોતાની પત્ની ક્રિષ્નાબહેન અને પાંચ વર્ષની પુત્રી મેશ્વા સાથે 17થી 24 એપ્રિલની પેકેજ ટૂર પર કાશ્મીર ગયા હતા. તેમને 22 તારીખે બપોરે સાડાબાર વાગ્યે બૈસરન વિસ્તારમાં જવાનું હતું. જો કે આ પરિવાર છેલ્લા ચાર દિવસથી ઘોડા પર ફરતો હોવાથી એ દિવસે પાંચ વર્ષીય મેશ્વાએ ઘોડા પર બેસવાની ના પાડતાં પરિવાર જમવા માટે અન્ય સ્થળે ગયો હતો. આ દરમિયાન જ બ્લાસ્ટ થતાં પરિવારનો આબાદ બચાવ થયો હતો.
‘તમારી ઢીંગલીના કારણે જીવ બચી ગયો’
સંદીપ પાઠકનો પરિવાર જમીને બહાર આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે બૈસરનમાં ફાયરિંગ થયું છે. થોડીવાર પછી આર્મી એમ્બુલન્સ અને હેલિકોપ્ટરની અવરજવર શરૂ થઈ હતી. આ દરમિયાન ઘોડાવાળાએ આવીને જણાવ્યું કે, તમારી ઢીંગલીએ જવાની ના પાડતાં તમારો જીવ બચી ગયો. આ બાદ ઘોડાવાળાએ મેશ્વાને સાક્ષાત્ ભગવાન માનીને પગે લાગીને આશીર્વાદ લીધા હતા.