નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આતંકીઓ તથા આતંકી કનેક્શન શોધવા માટે દેશભરમાં તપાસ કરાઈ રહી છે. આ તપાસ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એનઆઇએ દ્વારા મોટો ઘટસ્ફોટ કરાયો હતો. બે વર્ષ પહેલાં મુંદ્રા પોર્ટ ખાતે પકડાયેલા રૂ. 21,000 કરોડના 3000 કિલો ડ્રગ્સના કેસનું પહેલગામ આતંકી હુમલા સાથે જોડાણ હોવાનું એનઆઇએ દ્વારા જણાવાયું છે.
સુપ્રીમ કોર્ટમાં એનઆઇએ રજૂઆત કરી કે, લશ્કર-એ-તોઇબા આઇએસઆઇની મદદથી ભારતમાં જે નશાનો કારોબાર કરે છે તેમાં થતી કમાણીનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરાઈ રહ્યો છે. એનઆઇએ તરફી વકીલે જણાવ્યું કે, ટેલ્કમ પાઉડરના બનાવટી દસ્તાવોજોના આધારે અફઘાનિસ્તાન અને ઇરાનના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડાય છે, તેની જ રકમ ભારતવિરોધી પ્રવૃત્તિમાં કરાય છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે, આતંકીઓ દ્વારા પહલગામમાં પ્રવાસીઓ સાથે જે કરાઈ રહ્યું છે તે જઘન્ય છે. એક તરફ ભારતમાં નશાનો વેપાર ચલાવાઈ રહ્યો છે અને બીજી તરફ આ જ નશાખોરીથી મળતી રકમનો ઉપયોગ ભારતમાં જ આતંકવાદ ફેલાવવા કરાઈ રહ્યો છે.