રાજકોટ એરપોર્ટને 24 કલાક ખુલ્લું રખાશે

Wednesday 30th April 2025 06:48 EDT
 
 

રાજકોટઃ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકી હુમલાના પગલે ભારતે સિંધુ જળસંધિ રદ કરવા સહિત અનેક પગલાં લીધાં છે. જેની સામે પાકિસ્તાને તેના એરસ્પેસને ભારત માટે બંધ કરી દેતાં ભારતીય ફ્લાઇટના રૂટ બદલાયા છે. જે અન્વયે રાજકોટ હીરાસર એરપોર્ટને 24 કલાક ખુલ્લું રાખવા નિર્ણય લેવાયો હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર હવે દુબઈ જવા માટે લાહોર-કરાચીનો ટૂંકો રૂટ બંધ થતાં દુબઈ, ઓમાન, શારજાહ સહિતના સ્થળોએ દિલ્હીથી જતી ફ્લાઈટ ગુજરાત પરથી અરબી સમુદ્રમાં થઈને પસાર થશે. આ રૂટ થોડો લાંબો હોવાથી ફ્લાઈટનું ભાડું વધવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ભારતથી ઉત્તર અમેરિકા, યુરોપ, મિડલ ઈસ્ટ જતી ફ્લાઇટના ભાડામાં 8થી 10 ટકાનો વધારો થઈ શકે છે. આ ઉપરાંત ફ્લાઇટના સમયમાં પણ બે થી અઢી કલાકનો સમય લંબાઈ જશે.
આ અન્વયે લાંબા અંતરની ફ્લાઈટને ગમે ત્યારે ઉતરાણ કરવાનું થાય તે અન્વયે રાજકોટ એરપોર્ટને 24 કલાક ખુલ્લું અને લેન્ડિંગ-ટેકઓફ માટે સજ્જ રાખવા એરપોર્ટ સત્તાધીશોને સૂચના અપાઈ છે. આ માટે એરપોર્ટમાં પૂરતો સ્ટાફ પણ રાઉન્ડ ધ ક્લોક તહેનાત રહેશે.


comments powered by Disqus