સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીને લઈ 23 વર્ષની શિક્ષિકા રફુચક્કર

Wednesday 30th April 2025 08:13 EDT
 
 

સુરતઃ પર્વત પાટિયા વિસ્તારમાં માનવામાં ન આવે તેવો બનાવ સામે આવ્યો છે. અહીં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ છે. ફરાર શિક્ષિકાનું નામ માનસી નાયી હોવાનું જાણવા મળ્યું છે, જે અનુરાગ હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ સાથે તે ટ્યૂશન પણ કરાવે છે. જે વિદ્યાર્થીને લઈ માનસી ફરાર થઈ છે તે વિદ્યાર્થીનું ટ્યૂશન પણ તે લેતી હતી.
આ ઘટનામાં વાલીનો આરોપ છે કે શિક્ષિકા માત્ર તેમના દીકરા સાથે નથી ભાગી, પરંતુ તેની સાથે શિક્ષિકાનો એક મિત્ર પણ છે. સોસાયટી બહારના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં શિક્ષિકા સાથે 11 વર્ષનો વિદ્યાર્થી પણ દેખાઈ રહ્યો છે. ભાગતા પહેલાં શિક્ષિકાએ વિદ્યાર્થીને પગરખાં પણ અપાવ્યાં હતાં. 11 વર્ષના બાળકના પિતાએ પુત્રના અપહરણની ફરિયાદ નોંધાવી છે. ધોરણ-5માં અભ્યાસ કરતો તેમનો 11 વર્ષનો પુત્ર 25 એપ્રિલે બપોરે ઘરની બહાર રમવા ગયો હતો, જે બાદ તે પરત નથી આવ્યો. સીસીટીવી તપાસતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી, તેને ત્રણ વર્ષથી ટ્યૂશન કરાવતી તથા બાળકની શાળામાં પણ શિક્ષિકા તરીકે કામ કરતી 23 વર્ષીય યુવતી તેને ભગાડી જતી દેખાઈ હતી. શિક્ષિકા વિદ્યાર્થીને તેના વતન ઊંઝા લઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. છેલ્લે રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ તેમનું લોકેશન બંધ જણાયું હતું.
શિક્ષિકાએ ઓનલાઇન ટૂર પેકેજ બુક કરાવ્યું
મેક માય ટ્રિપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેઇલ પોલીસને મળી હતી. આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઈ સામાન નહોતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી. બીજા દિવસે બાળકને પણ લઈ ગઈ હતી. શિક્ષિકા ફરવા જવા માગતી હોવાથી તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઈ હોય તેવું બની શકે.


comments powered by Disqus