અમદાવાદઃ પહેલગામ આતંકી હુમલામાં સુરતના શૈલેશ કળથિયા ઉપરાંત ભાવનગરના પિતા-પુત્ર યતીશભાઈ પરમાર અને સ્મિત પરમારના મૃતદેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જેમની અંતિમયાત્રામાં હચમચાવતો કલ્પાંત જોવા મળ્યો હતો.
એકના એક ભાઈને ભારે હૈયે વિદાય
મુંબઈ ગોરેગાંવ એસબીઆઇ (લાઇફ)માં રિઝનલ મેનેજર અને સુરતના રહેવાસી શૈલેશ કળથિયાનો મૃતદેહ સુરત પહોંચ્યા બાદ ગુરુવારે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં પરિવાર અને સગાંસંબંધીઓ મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતા. એકનો એક ભાઈ આતંકી ઘટનાનો ભોગ બન્યો તે અંગેનો આક્રોશ શૈલેશની ચાર બહેનો, પિતા, પત્ની, બાળકો અને સ્વજનોમાં ભારોભાર નજરે પડ્યો હતો. આ સમયે મૃતકનાં પત્ની શીતલબહેને ભાવુક થઈ પોતાની મનોવ્યથા સી.આર. પાટીલ સમક્ષ વ્યક્ત કરી હતી.
જુદા તારવી ગોળીઓ મારી
શૈલેશ કળથિયાને તેમના 12 વર્ષના પુત્ર નક્ષની હાજરીમાં જ ગોળી મારી દેવાઈ. નક્ષે જણાવ્યું કે, આતંકીઓએ કલમા પઢવાનું કહીને મુસ્લિમોને જુદા તારવીને મારા પપ્પાને બેથી ત્રણ ફૂટ દૂરથી છાતીમાં બે ગોળી ધરબી દીધી હતી.
ભાવનગરમાં પણ આક્રોશ
બીજી તરફ ભાવનગરમાં પણ પિતા-પુત્રની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યતીશભાઈ પરમાર અને સ્મિત પરમારના મૃતદેહને અંતિમ સંસ્કાર વખતે વંદે માતરમના નારા લાગ્યા હતા. સ્વજનોના કલ્પાંત વચ્ચે તમામ અંતિમવિધિ પૂર્ણ કરાઈ હતી. ભાવનગરના કાળિયાબીડ ખાતે રહેતા યતીશભાઈ પરમાર, પુત્ર સ્મિત પરમાર અને પત્ની કાજલબહેન 20 જણાના ગ્રૂપમાં કાશ્મીર ગયાં હતાં. આ સમયે કાજલબહેનની સામે જ પતિ અને પુત્રની આતંકીઓ દ્વારા ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.