PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવશે

Wednesday 27th August 2025 06:04 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી કે રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીઓને ગંભીર ગુનાના કેસમાં 30 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે તો તેમની પાસેથી વડાપ્રધાન, મંત્રી કે મુખ્યમંત્રીનું પદ પરત લઈ લેવાય એવી જોગવાઈ કરતું બિલ લોકસભામાં રજૂ કરાયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રજુ કરેલા આ બિલનો વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં બિલની કોપી પણ ફાડી નાખી હતી.
વિપક્ષના સાંસદો લોકસભાની વેલ સુધી ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે બિલની કોપી ફાડી ગૃહમંત્રી અમિત શાહ તરફ ઉછાળી હતી. જો કે વિવાદ વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી હતી કે અમે આ બિલને સંયુક્ત સંસદીય સમિતિને સોંપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બંધારણના 130મા સંશોધન માટેના આ બિલને લઈને વિપક્ષ દ્વારા એટલો ઉગ્ર વિરોધ કરાયો હતો કે ગૃહમંત્રીનું માઇક તોડવાનો પણ પ્રયાસ થયો હતો. બાદમાં સ્થિતિ બહુ જ તંગદિલીભરી થઇ હતી. જ્યારે સત્તાપક્ષ ભાજપના સાંસદો ગૃહમંત્રીનો બચાવ કરવા લાગ્યા હતા.
બિલનો બચાવ કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, જ્યારે હું ગુજરાતમાં મંત્રી હતો ત્યારે મારા પર આરોપો લાગ્યા હતા અને મેં મંત્રીપદેથી રાજીનામું આપી કોર્ટના આદેશનું પાલન કર્યું હતું. બાદમાં મેં મંત્રી તરીકેની જવાબદારી ત્યારે જ સંભાળી જ્યારે હું તમામ આરોપથી મુક્ત થયો. આ બિલ દેશમાં ભ્રષ્ટાચાર રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. વિપક્ષનો દાવો છે કે આ બિલનો ઉપયોગ વિપક્ષની સરકારો વિરુદ્ધ હથિયાર તરીકે થશે.
ક્લાર્કની નોકરી, તો પીએમની ખુરશી પણ જવી જોઈએ
વડાપ્રધાન મોદીએ શુક્રવારે ગંભીર આરોપોમાં ધરપકડ થતાં વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓનાં પદ આપમેળે આંચકી લેતા બિલ મુદ્દે વિપક્ષની ઝાટકણી કાઢી જનતાને સવાલ કર્યો કે, આવું બિલ લાવવામાં ખોટું શું છે? પીએમ મોદીએ કહ્યું કે, ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં જવાથી ક્લાર્કની નોકરી જતી રહે છે, તો વડાપ્રધાનની ખુરશી શા માટે બચવી જોઈએ.


comments powered by Disqus