અમદાવાદઃ નિકોલમાં સોમવારે હજારોની મેદનીને સંબોધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અમદાવાદ શહેર કોન્સર્ટ ઇકોનોમીનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. વડાપ્રધાને 25-26 જાન્યુઆરીએ નમો સ્ટેડિયમમાં યોજાયેલી કોલ્ડપ્લે કોન્સર્ટનો દાખલો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ કોન્સર્ટની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી, એ દર્શાવે છે કે અમદાવાદ મોટી કોન્સર્ટ યોજી શકે છે અને મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટે પણ તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં યોજાયેલી બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ ઊમટ્યા હતા. આ કોન્સર્ટ દરમિયાન કાયદો-વ્યવસ્થા, પરિવહન તથા રોકાણ અંગે કોઈ સમસ્યા ન સર્જાતાં આયોજનની પ્રશંસા થઈ હતી. આગામી વર્ષોમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કોન્સર્ટ તથા રમતગમતની મોટી ઇવેન્ટ્સનું આયોજન કરવાની તૈયારી ચાલી રહી છે.

