અમદાવાદઃ પર્વાધિરાજ પર્યુષણની પૂર્વ સંધ્યાએ જ મંગળવારે પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ ગુરુદેવ આચાર્ય રાજયશ સુરીશ્વરજી મહારાજ સાહેબજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. બુધવારે સાબરમતી જૈન સંઘેથી આચાર્ય દેવની પાલખીયાત્રા નીકળી હતી. હજારો શ્રાવક-શ્રાવિકાઓ આચાર્ય દેવનાં અંતિમ દર્શન કરવા ટોળે વળ્યાં હતાં. આ સાથે ભારતભરના જૈન શ્રેષ્ઠિઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ પાલખીયાત્રામાં જોડાયા હતા. બપોરે 12 વાગ્યે સાબરમતી જૈન સંઘથી પાલખી યાત્રા નીકળીને સોલા જૈન સંઘ પહોંચી હતી. ત્યાં શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કરાયા હતા. અંતિમવિધિ માટે આચાર્ય દેવને 1 હજાર કિલો જેટલું સુખડકાષ્ઠ અર્પણ કરાયું હતું.
આચાર્ય દેવને પાલખીમાં પધરાવવાથી માંડીને અગ્નિદાહ વિધિ માટે સાબરમતી જૈન સંઘમાં બુધવારે સવારે 9 વાગ્યાથી ઉછામણી બોલાવાઈ હતી અને માત્ર 1.56 કલાકમાં જ રૂ. 12 કરોડથી વધુ રકમની ઉછામણી બોલાઈ હતી. તેમાં અગ્નિદાહ માટે રૂ. 6.66 કરોડની બોલી બોલાઈ હતી.
ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, આગમોના ઊંડા અભ્યાસુ હતા
ગચ્છાધિપતિ રાજયશ સુરીશ્વરજી મહારાજનું સંસારી નામ રમેશકુમાર. મૂળ તેઓ નડિયાદના વતની, સંસારી માતા સુભદ્રાબહેન તથા સંસારી પિતા જિનદાસભાઈના તેઓ સંતાન હતા. જેમનો દીક્ષા દિવસ મહા વદ પાંચમ તથા દીક્ષા પર્યાય 62 વર્ષનો રહ્યો.
રાજયશ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય વિતરાગ યસ સુરીશ્વરજી મહારાજ સાહેબના જણાવ્યા મુજબ તેઓ વિનય અને વાત્સલ્યના ભંડાર હતા, પોતે સમ્યગ્ન હતા તેથી બધા સંપ્રદાયોને સાથે લઈને ચાલવાની એમનામાં ભારે કુનેહ હતી. સર્વત્ર જૈનમ જયતિ શાસનનો નાદ ગજાવતા રહેવું તે તેમનું મુખ્ય મિશન હતું. સાથે સાથે ભરૂચ તીર્થનું જિર્ણોદ્ધાર, રાસ્કા તીર્થ તથા પ્રેરણા તીર્થ જેવા અનેક તીર્થના પ્રેરક અને માર્ગદર્શક હતા. મુનિ હંસ બોધી વિજયજી મ.સા.એ જણાવ્યું કે, તેમની સાથે અનેક વખત રહેવાનું થયું. તેઓ નિરાભિમાન હતા અને ન્યાય-વ્યાકરણ-કાવ્ય-સાહિત્ય સાથે આગમોના ઊંડા અભ્યાસી હતા. પ્રવચનશક્તિ પણ ઘણી સુંદર હતી. સૌને સાથે લઈને ચાલવાની તેઓમાં આવડત હતી.

