મુંબઈઃ ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનાં માતા કોકિલાબહેન અંબાણીની તબિયત બગડતાં ગુરુવારે રાત્રે તેમને એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
વૃદ્ધાવસ્થાને લગતી માંદગીને કારણે કોકિલાબહેનને એરલિફ્ટ કરી હોસ્પિટલમાં પહોંચાડાયાં. કોકિલાબહેનને એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં ત્યારે એરપોર્ટના ગેટ પાસે અનિલ અંબાણી અને ટીના અંબાણી જોવા મળ્યાં હતાં. ઉદ્યોગ જગતના માંધાતા અને રિલાયન્સ ઉદ્યોગ સમૂહના સ્થાપક દિવંગત ધીરુભાઈ અંબાણીનાં ધર્મપત્ની કોકિલાબહેનનો જન્મ 24 ફેબ્રુઆરી 1934માં જામનગરમાં થયો હતો. ધીરુભાઈએ શૂન્યમાંથી સર્જન કરીને અંબાણી સામ્રાજ્ય ઊભું કર્યું એ સંઘર્ષ અને વિકાસયાત્રામાં પડછાયાની જેમ સાથે રહેલાં કોકિલાબહેન સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે રહ્યાં છે. તેમનાં 4 સંતાનોમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીના કોઠારી અને દીપ્તિ સળગાંવકરનો સમાવેશ થાય છે.

