ચાંગા: ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP) ના વિદ્યાર્થીઓએ નેશનલ લેવલે ચારુસેટનું ગૌરવ વધાર્યું છે અને MSME હેકાથોન 4.0માં લાઇફ સેવિંગ મેટરનલ હેલ્થ ઇનોવેશન માટે રૂ. 12 લાખની ગ્રાન્ટ જીત્યા છે. તેઓએ માતૃત્વ આરોગ્ય સંભાળમાં લીડિંગ કોમ્પ્લિકેશન - પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) માટે નવીન ઉપચારાત્મક અભિગમ ડિઝાઇન કરવા માટે રૂ. 12 લાખની ગ્રાન્ટ મેળવીને રાષ્ટ્રીયસ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
વિજેતા બનેલાં ક્રિષા પટેલ, શ્રેયા પટેલ અને જાનવી પાટીલે ડો. ગાયત્રી પટેલના માર્ગદર્શન હેઠળ પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH)ને અસરકારક રીતે મેનેજ કરવા ગર્ભાશયના પોલાણમાં ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી માટે ઇનોવેટિવ હિમોએબ્સોર્બન્ટ સિસ્ટમ વિકસાવી છે. આ સંશોધનનો હેતુ રક્તસ્રાવના સ્થળે દવાની અસરકારકતા વધારવા, પ્રણાલીગત આડઅસરો ઘટાડવા અને માતાના સ્વાસ્થ્ય પરિણામમાં સુધારો કરવાનો છે. પોસ્ટપોર્ટમ હેમરેજ વિશ્વભરમાં માતૃત્વ મૃત્યુના મુખ્ય કારણો પૈકી એક છે, ખાસ કરીને જ્યાં તબીબી સુવિધાઓ ઓછી છે ત્યાં આ પ્રકારનાં માતૃત્વ મૃત્યુ વધારે થાય છે.
MSME આઇડિયા હેકાથોન 4.0 કેન્દ્ર સરકારના માઇક્રો, MSME મંત્રાલય દ્વારા આયોજિત નેશનલ લેવલની સ્પર્ધા છે, જે વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સની નવીન વિચારધારાને પ્રોત્સાહન આપે છે. સ્પર્ધામાં ઇન્સ્ટિટ્યૂટ લેવલે નિષ્ણાતો દ્વારા સમીક્ષાથી લઈને નેશનલ લેવલે અંતિમ પસંદગી સુધીના વિવિધ તબક્કા હતા.

