ચીનમાં SCO સમિટ: મોદી-પુતિન સહિત વિશ્વના 20 નેતા ભાગ લેશે

Wednesday 27th August 2025 06:05 EDT
 
 

નવી દિલ્હીઃ ચીનના ટિઆનજિન શહેરમાં 31 ઓગસ્ટથી બે દિવસના શાંઘાઈ કો.ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ (SCO)નો પ્રારંભ થઈ રહ્યો છે. SCOના ઈતિહાસમાં સૌથી મોટા સમિટનું આ વખતે આયોજન કરાયું છે. તેમાં 10 સભ્ય દેશો ઉપરાંત અન્ય 10 દેશના વડાઓને આમંત્રિત કરાયા છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 20 દેશના નેતાઓ આ સમિટમાં ભાગ લેવાના છે.
ચીનના સહાયક વિદેશમંત્રી લ્યુ બિને અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, તુર્કીના પ્રમુખ એર્ડોગન, ઈન્ડોનેશિયાના પ્રમુખ પ્રાબો સુબિઆન્ટો, મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ અને વિયેતનામના વડાપ્રધાન ફામ મિન ચીન સહિત અગ્રણી નેતાઓ આ સમિટમાં ભાગ લેશે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, નેપાલના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મોઈઝ્ઝુ પણ સમિટમાં હાજર રહેશે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિઓ ગુટેરેસ, SCOના સેક્રેટરી જનરલ નુરલાન યેરમેકબાયેની હાજરી સાથે SCOના ઈતિહાસમાં આ સૌથી મોટું સંમેલન હશે.
10 સભ્યોના SCOનું અધ્યક્ષપદ દર વર્ષે બદલાતું રહે છે. SCOના સભ્ય દેશોમાં રશિયા, ભારત, ઈરાન, કઝાકસ્તાન, કિર્ગીસ્તાન, પાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, બેલારુસ અને ચીનનો સમાવેશ થાય છે. આ વર્ષે ચીન યજમાન છે, ત્યારે તેણે SCOનો વ્યાપ વધારતાં SCO પ્લસ સમિટનું આયોજન કર્યું છે. આ સમિટને વિશ્વમાં પોતાના વધી રહેલા પ્રભાવ તરીકે દર્શાવવાના પ્રયાસમાં ચીન તરફથી કોઈ કચાશ રખાશે નહીં. ચીનમાં આવી રહેલા મોટાભાગના નેતાઓ બે દિવસના સમિટ બાદ પણ રોકાવાના છે.
3 સપ્ટેમ્બરે ચીનમાં 80મા વિજય દિવસની ઉજવણી થવાની છે. આ દિવસે ચીન દ્વારા સૌથી મોટી મિલિટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ દરમિયાન ચીનના સૈન્ય દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. ચોથી પેઢીના ટેન્ક અને એરક્રાફ્ટ ઉપરાંત ગુપ્તચર સાધનો, એડવાન્સ મિસાઈલ હાઈપર સોનિક વગેરેનો સમાવેશ કરવામાં આવશે. SCOના 25મા સમિટમાં અધ્યક્ષપદેથી ચીનના પ્રમુખ શી જિનપિંગ વક્તવ્ય આપશે. આ સાથે તેઓ ભાગ લઈ રહેલા નેતાઓ માટે દ્વિપક્ષી કાર્યક્રમોનું પણ આયોજન કરશે.


comments powered by Disqus