રાજભવનમાં PM મોદીએ ગાંધીઆશ્રમ, ધોલેરા SIRની સમીક્ષા કરવા બેઠક યોજી

Wednesday 27th August 2025 06:05 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત ભાજપમાં નવા અધ્યક્ષ અને મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળોને કારણે ભાજપનાં રાજકીય વર્તુળો જ નહીં અધિકારીઓનું પણ ધ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાત્રી મુકામના સ્થળ રાજભવનની ગતિવિધિ પર કેન્દ્રિત થયું છે. અમદાવાદના નિકોલમાં કાર્યક્રમ પૂર્ણ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાતે સાડા આઠ વાગ્યે રાજભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે સાબરમતી ગાંધીઆશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ, ધોલેરા SIR અને લોથલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ચાલી રહેલા કામકાજની સમીક્ષા માટે હાઇલેવલ બેઠક યોજી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બહુચરાજીના હાંસલપુરમાં સુઝુકી ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત પ્રથમ બેટરી ઇલેક્ટ્રોનિક વાહન BEVની મોટરકારને લોન્ચ કરી. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ પ્રદેશ અધ્યક્ષ અને મંત્રીમંડળમાં ફેરફાર મુદ્દે તેઓ મંગળવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે બેઠક યોજી.
નિકોલની સભા બાદની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્યસચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના બંને સલાહકાર અનુક્રમે હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠૌર તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્યસચિવ મનોજ દાસથી લઈને ત્રણેય સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા. સાંજે પોણા આઠ વાગ્યે શરૂ થયેલી સમીક્ષા બેઠક દોઢેક કલાક સુધી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે, નિકોલમાં સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી ભાજપ અને સંઘ સાથે જોડાયેલા જૂના પરિચિતોના પરિવારો સાથે અંગત મુલાકાત કરી હતી.


comments powered by Disqus