નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર, જામનગર સામેના આરોપોની તપાસ માટે એક એસઆઇટીની રચના કરી હતી. ન્યાયાધીશ પંકજ મિત્તલ અને ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે આ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ જે. ચેલમેશ્વરની આગેવાની હેઠળ એક એસઆઇટીની રચના કરવા આદેશ આપ્યો છે. પ્રાણીઓની ગેરકાયદે ખરીદી, તેમની સાથે દુર્વ્યવહાર, નાણાકીય અનિયમિતતા અને વનતારા પર મની લોન્ડરિંગના આરોપો પર દાખલ કરાયેલી અરજી પર આ આદેશ અપાયો. ટીમ વનતારા સેન્ટરનું પણ નિરીક્ષણ કરશે. સુપ્રીમ કોર્ટે એસઆઇટીને 12 સપ્ટેમ્બર 2025 સુધીમાં તેનો રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરે થશે.
SITને સહકાર આપોઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, સીઆઇટીઈએસ મેનેજમેન્ટ ઓથોરિટી, પર્યાવરણ મંત્રાલય અને ગુજરાત સરકાર તપાસમાં એસઆઇટીને સહયોગ કરે. કોર્ટે કહ્યું કે, એસઆઇટી ફક્ત તથ્યોની તપાસ કરશે. આ આદેશ કોઈપણ પક્ષ સામે પક્ષપાત દર્શાવતો નથી. રિપોર્ટ આવ્યા પછી સુપ્રીમ કોર્ટ આગળની કાર્યવાહી નક્કી કરશે.

