સુરતઃ લંડનની જાણીતી એજન્સી ક્લાયમેટ બોન્ડ ઇનિશિયેટિવ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ અનુસાર સુરત મહાનગરપાલિકાને ‘ગ્રીન સર્ટિફિકેટ’ અપાયુંં. આ સર્ટિફિકેટ મેળવનારી સુરત પાલિકા દેશની પ્રથમ પાલિકા બની છે, જે તેની કામગીરીની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. વધુમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ‘અમૃત 2.0 યોજના’ હેઠળ સુરત પાલિકાને ગ્રીન બોન્ડ આઇપીઓ બદલ પ્રોત્સાહન તરીકે રૂ. 20 કરોડ અપાશે.
સુરત મનપાએ વહીવટી પારદર્શિતા, આયોજનબદ્ધ કામગીરીના ઉદાહરણ તરીકે રૂ. 200 કરોડના ગ્રીન બોન્ડ્સનું ઓડિટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, આ ફાઇનલ ઓડિટ સહિતની વિગતો ટૂંક સમયમાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં રજૂ કરાશે.
6 પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સને વેગ મળશે
મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, આ બોન્ડ્સથી મળનારી રકમનો ઉપયોગ પાલિકાના 6 મુખ્ય પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ માટે કરાશે. આ પ્રોજેક્ટ્સમાં 10 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ, 6.3 મેગાવોટનો વિન્ડ પાવર પ્લાન્ટ, BRTS પ્રોજેક્ટ સેલ, સેન્ટ્રલાઇઝ્ડ ડ્રાય એન્ડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, 250 MLD કેપેસિટીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 400 MLD વોટર ઇન્ટેક વેલનું કામ સામેલ છે.

