જૂનાગઢઃ ગત મંગળવારથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ કેર વરસાવ્યો હતો. ત્રણ દિવસના આ ભારે વરસાદમાં અમરેલી, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ અને ખાસ જૂનાગઢ અને તેના ઘેડ પંથકમાં વરસાદરૂપી સંકટે મોટી ઉપાધિ સર્જી. આ ભારે વરસાદમાં ખેતીને ભારે નુકસાન પણ થયું.
જૂનાગઢમાં મેઘતાંડવ
જૂનાગઢ જિલ્લામાં બુધવારથી મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતાં મેંદરડા, વંથલી અને કેશોદ સહિતના તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ. જેના કારણે ઘેડના સરાડિયા સહિતનાં 35 ગામોનો સંપર્ક કપાયો હતો, તો અનેક ગામોમાં પાણી ઘૂસી જતાં 42 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. માણાવદર તાલુકામાં ભારે વરસાદથી દગડ તળાવનો પાળો તૂટતાં નીચેના ભાગમાં આવેલા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. ગિરનાર પર્વત પર ભારે વરસાદથી દામોદર કુંડમાં પૂર આવ્યું હતું.
અમરેલી જિલ્લો જળબંબાકાર
અમરેલી જિલ્લામાં મંગળવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદ જાફરાબાદ તાલુકાના ટીબી ગામની રૂપેણી નદી, જોલાપરી નદી અને રાફડા ગામની નદીમાં પૂર આવ્યું, જેની વન્યજીવન પર પણ અસર થઈ છે. પિપાવાવમાં એક સિંહ દરિયાઈ ખાડીના પાણીમાં ફસાયો હતો. અમરેલીના બગસરા, સાવરકુંડલા, ધારી અને ખાંભામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે.
દ્વારકામાં 17 લોકોનું રેસ્ક્યૂ
દ્વારકામાં બુધવારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં. ભોગાત ગામમાં એક બિલ્ડિંગની ચારે તરફ વરસાદી પાણી ભરાતાં 17 લોકો ફસાયા હતા. જેમનું રેસ્ક્યૂ કરાયું હતું. મંગળવારના આ ભારે વરસાદમાં ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ સહિત સૌરાષ્ટ્રનાં નદીનાળાંમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
જ્યારે દક્ષિણ ગુજરાતના સુરતમાં શ્રીકાર વરસાદ નોંધાયો હતો.
રાણાવાવમાં 46 વિદ્યાર્થીઓ ફસાયા
પોરબંદર જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે પોરબંદરના રાણાવાવ ખાતે ભોરાસર ગામની સીમની શાળામાં 46 બાળકો ફસાઈ જતાં શાળા સંચાલકે બાળકોને ઘરે પહોંચાડવા તંત્રની મદદ માગી હતી.
કોઝ-વે પર પાણી ફરી વળતાં રસ્તા બંધ
બુધવારે ભારે વરસાદના કારણે મધુવંતી અને બંધૂક્યો નદીમાં ઘોડાપૂર આવતાં કોઝવે પર પાણી ફરી વળ્યું અને વાહનવ્યવહાર ખોરવાયો. જિલ્લાના કુલ 18 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા, જેમાં આરએનબી વિભાગના 9 અને પંચાયતના 9 રસ્તાનો સમાવેશ થાય છે. આ રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને એસટી બસના 6 રૂટ પણ રદ કરાયા.

