દૌસાઃ 1995થી 2004 દરમિયાન પોતાની ટોળકી સાથે મળી 100થી પણ વધારે હત્યા કરનારા કુખ્યાત સિરિયલ કિલર ડોક્ટર દેવેન્દ્ર શર્માને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે. જૂન 2023માં બે મહિનાની પેરોલ પર છૂટી જેલથી બહાર આવેલો ડોક્ટર રાજસ્થાનના દૌસામાં એક આશ્રમ બનાવી બાબા બની ગયો હતો.
ક્રાઇમબ્રાન્ચની ટીમે BAMS ડોક્ટર દેવેન્દ્રની દૌસાથી ધરપકડ કરી છે. ડોક્ટરે એક દશકા સુધી રાજસ્થાનમાં પોતાની હોસ્પિટલ ચલાવી તેમાં કિડનીનાં કૌભાંડો પણ આચર્યાં હોવાનું જણાયું છે. 1998થી 2004 દરમિયાન તેણે ડોક્ટર અમિત સાથે મળી 125 દર્દીઓ પર ગેરકાયદે કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન્સ પણ કર્યાં હતાં. 2004માં તેની ધરપકડ થતાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું કૌભાંડ છતું થયું હતું. સિરિયલ કિલર ડોક્ટર દેવેન્દ્ર સામે હત્યાના 21 કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઇ ચૂકી છે. દિલ્હીમાં 7 કેસમાં શર્માને આજીવન કારાવાસ અને એક કેસમાં ફાંસીની સજા પણ થઈ ચૂકી છે. છતાં 9 જૂને તેને બે મહિનાની પેરોલ પર છોડાયો હતો. એ પછી તે પેરોલ જમ્પ કરી ફરી પાછો સરેન્ડર થયો નહોેતો અને દૌસાના આશ્રમમાં બાબા બની ગયો હતો.