વોશિંગ્ટનઃ યુએસ અને ભારત વચ્ચે વચગાળાના વેપાર કરારને સાકાર કરવાના હેતુથી અમેરિકી પ્રતિનિધિ મંડળ આગામી સપ્તાહોમાં ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. 9 જુલાઈ સુધીમાં વચગાળાના વેપાર કરાર કરવા બંને દેશ સહમત થયા છે, ત્યારે આ દિશામાં પ્રગતિ સાધવા અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત આવશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની નીતિ હેઠળ ભારતના સામાન પર 26 ટકા ટેરિફ લાગુ કરી છે, જે અંગે રાહત મેળવવાનું ભારત સરકારનું લક્ષ્ય છે. સૂત્રો મુજબ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંદર્ભે વાટાઘાટો ઝડપી ગતિએ આગળ વધી રહી છે.
