લ્યૂઇસબર્ગઃ સોમવારે રાત્રે ટેનેસીના લ્યૂઇસબર્ગના મૂર્સવિલે હાઇવે પર મેરેથોન ગેસ સ્ટેશનની અંદર આવેલા સ્ટોરમાં લૂંટના ઇરાદે કલોલ તાલુકાના ડિંગુચા ગામના વતની પરેશ પટેલની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. તેમના પરિવારમાં પત્ની અને બાળકી છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેના આધારે સ્થાનિક પોલીસે અશ્વેત હત્યારાની ધરપકડ કરી છે.
ગ્રાહકના રૂપમાં આવ્યો હતો હત્યારો
મળતી માહિતી અનુસાર ડિંગુચા ગામના વતની પરેશભાઈ સુમનભાઈ પટેલ છેલ્લાં 10 વર્ષથી અમેરિકામાં રહીને સ્ટોરમાં નોકરી કરતા હતા. ઘટના દરમિયાન એક અશ્વેત યુવાન ગ્રાહકના રૂપમાં સ્ટોરમાં આવ્યો હતો. તેણે પહેલા કેટલીક ખરીદી કરી અને ત્યારબાદ પરેશભાઈ પર ફાયરિંગ કરી દીધું હતું.
સ્ટોરમાં લૂંટના ઇરાદે થયેલી આ હત્યાના સીસીટીવીના આધારે લ્યૂઇસબર્ગ પોલીસે અશ્વેત હત્યારા ડેવિડ હેમિલ્ટનને ઝડપી પાડ્યો છે. ડેવિડ હેમિલ્ટન પર ગુનાઇત હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.