અમદાવાદઃ ડીસામાં ફટાકડાંની ગેરકાયદે ફેક્ટરીમાં આગ લાગતાં 7 બાળકો સહિત 23 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા રાજ્ય સરકારે સીટની રચના કરી માત્ર 15 દિવસમાં તપાસનો અહેવાલ આપવા આદેશ કર્યો હતો. પણ આ વાતને બે મહિના થવા છતાં હજુ સીટના રિપોર્ટનાં ઠેકાણાં નથી. એટલું જ નહીં, કસૂરવારોને બક્ષવામાં ન આવે તેવી ડિંગો હાંકવામાં આવી હતી. જો કે આ તપાસને લઈને હજુ સુધી સરકારે એક હરફ ઉચ્ચાર્યો નથી. આ કારણોસર ડીસા અગ્નિકાંડના પીડિતોએ ન્યાયની આશા છોડી દીધી છે.