ભુજઃ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ મહિલા અધિકારી સાથે જુલાઈ-2023માં સંપર્કમાં આવી બીએસએફ, આર્મી, નેવી પ્રોજેક્ટના ફોટો-વીડિયો મોકલી જાસૂસી કરતા કચ્છના સહદેવ ગોહિલની ગુજરાત એટીએસએ ધરપકડ કરી તપાસ આદરી છે. રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટને મોકલી જાસૂસી કરતા સહદેવ ગોહિલને એટીએસએ અમદાવાદ લાવી પૂછપરછ કરી રહી છે.
માતાના મઢમાં મલ્ટિપર્પઝ હેલ્થવર્કર તરીકે દયાપર-1 બીટમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો સહદેવ પાકિસ્તાની મહિલા સાથે વ્હોટ્સએપ દ્વારા સંપર્કમાં આવ્યો હતો. કરાચીથી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ મહિલા અધિકારીએ સહદેવને પોતાનું નામ અદિતિ ભારદ્વાજ આપી 6 મહિના સુધી ચેટિંગ અને વ્હોટ્સએપ મારફતે રોમેન્ટિક વાતો કરી હતી. પાકિસ્તાની મહિલાએ સહદેવને વિશ્વાસમાં લઈ તેની પાસેથી બીએસએફ, આર્મી, નેવી પ્રોજેક્ટના ફોટો-વીડિયો મેળવી, તે પેટે અદિતિ ભારદ્વાજે અન્ય વ્યક્તિ દ્વારા રૂ. 40 હજાર સહદેવને મોકલ્યા હતા, જેને સહદેવે દયાપરથી મેળવ્યા હતા. આરોપી સહદેવસિંહે જાન્યુઆરી 2025માં પોતાના આધારકાર્ડથી પોતાના નામનું જિયોનું સિમકાર્ડ લીધું હતું. ફેબ્રુઆરી 2025માં પાકિસ્તાની મહિલા એજન્ટને વ્હોટ્સએપ ઓટીપી આપી વ્હોટ્સએપ ચાલુ કરી તે નંબર પર ફોટો-વીડિયો મોકલ્યા હતા.
એટીએસના પીએસઆઇ આર.આર. ગરચરને 29 એપ્રિલે આરોપી સહદેવસિંહ દીપુભા ગોહિલ પાકિસ્તાનને માહિતી આપતો હોવાની માહિતી મળી હતી.