વાવઃ બનાસકાંઠામાં BSFએ ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. 23 મેએ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને બીએસએફના જવાનોએ ઠાર કર્યો હતો.
BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતી જોઈ હતી. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી, છતાં તે આગળ વધી રહ્યો હતો, જેથી પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. બીએસએફએ ઘૂસણખોરની તલાશી લેતાં તેની પાસેથી કોઈપણ પ્રકારની ઓળખ પ્રસ્થાપિત થાય તેવા દસ્તાવેજ કે કોઈ પુરાવા મળ્યા નહોતા.
પિલ્લર-તાર ફેન્સિંગ વચ્ચે ઠાર કરાયો
ભારત પાકિસ્તાન રાષ્ટ્રીય બોર્ડર પર ફેન્સિંગ બનાવાઈ રહી છે. વાડ અને પિલ્લર વચ્ચે ભારતની હદ આવેલી છે, જે હદમાં નજીક ઘૂસી આવતાં ઠાર કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. બીએસએફ જવાને ગોળી મારી હતી, જે ઘૂસણખોરને ડાબા પડખે વાગીને જમણા પડખે છાતી નજીક નીકળી હતી. જો કે પીએમમાં ગોળી મળી નથી.