સુરતની 73 વર્ષીય વૃદ્ધા કનક પટેલનો માઉન્ટ એવરેસ્ટ બેઝકેમ્પ સર કરી વિક્રમ

Wednesday 28th May 2025 06:11 EDT
 
 

સુરતઃ 73 વર્ષીય કનકબહેન પટેલ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનારાં પ્રથમ મહિલા પર્વતારોહક બન્યાં છે. સુરતના ભાગળ ખાતે ક્લિનિક ધરાવતાં જાણીતાં ડર્મેટોલોજિસ્ટ ડો. અનિલ પટેલનાં 73 વર્ષીય પત્ની કનકબહેન પટેલે એવરેસ્ટ બેઝકેમ્પ સર કરતાં પહેલાં ટ્રેકિંગ અને પર્વતારોહણની ટ્રેનિંગ લીધી હતી. કનકબહેન એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનારાં પ્રથમ મહિલા પર્વતારોહક બન્યાં છે. આ રેકોર્ડ અગાઉ આ ઉંમરે 73 વર્ષીય બે પુરુષ પર્વતારોહકના નામે હતો. મે 2024માં ગાંધીનગરના પર્વતારોહક કીર્તિકુમાર રાણા અને વર્ષ 2019માં એડિનબર્ગના એલન સિંકલેરએ આ સિદ્ધિ મેળવી હતી. બંને પુરુષ ટ્રેકરે 14 દિવસે આ કેમ્પ ટ્રેક સર કર્યો હતો.
સુરતનાં કનકબહેન અનિલ પટેલ શોખ ખાતર ટ્રેકિંગ પ્રવૃત્તિમાં સક્રિય થયાં હતાં, જેના માટે કનકબહેને ટ્રેનિંગ લીધી હતી અને તેઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે. કનકબહેન પટેલના ટ્રેક સર કરી લીધા બાદ એમની સાથે પહોંચેલી એક વ્યક્તિએ આ ગૌરવશાળી ક્ષણોનો વીડિયો ઉતારતાં કનકબહેનને સવાલ કર્યો હતો કે તમને કેવું લાગે છે? એના ઉત્તરમાં કનકબહેન પટેલે કહ્યું હતું કે, ‘આ મારા માટે ખૂબ ગર્વની ક્ષણો છે. ખૂબ ડિફિકલ્ટ અને ચેલેન્જિંગ ટ્રેક હતો. એ તબક્કે મારો ઉત્સાહ વધારનારા લોકોનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. લોકોનો ખૂબ સારો મોરલ સપોર્ટ રહ્યો. હું ખુશ છું, તેઓની મદદથી આ મુશ્કેલ લાગતો ટ્રેક સર કરી શકી છું.’ કનકબહેનને તેમની આ સિદ્ધિ અંગે જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે 73 વર્ષની વયનાં ભારતનાં પ્રથમ મહિલા ટ્રેકર છો,
જેણે મોટી ઉંમરે આ રેકોર્ડ સર્જ્યો છે, આપનું શું કહેવું છે? કેવી લાગણી અનુભવો છો? કનકબહેને ટૂંકો જવાબ આપતાં કહ્યું કે, આઇ એમ ફીલિંગ સો “ગ્રેટ”.


comments powered by Disqus