આર્ટિફિશિયલ પગ છતાં પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ મેળવવાનું દિવ્યાંગનું સ્વપ્ન

Thursday 02nd January 2025 01:25 EST
 
 

રાજકોટઃ હરિવંશરાય બચ્ચનની કવિતા ‘કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી’ને રાજકોટના એક યુવાન ભાવિનકુમાર ગોહેલે સાર્થક કરી બતાવી છે. 5 વર્ષ પહેલાં અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ ભાવિનને આર્ટિફિશિયલ પગ લગાવવામાં આવ્યો હતો. જો કે આ શારીરિક વિકલાંગતાને અવગણીને ભાવિન મેરેથોનમાં ભાગ લેવા તેમજ બેડમિન્ટનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી પેરાલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવવાનું સ્વપ્ન લઈને તનતોડ પ્રેક્ટિસ કરી રહ્યો છે.
નસ ડેમેજ થતાં ડાબો પગ કપાવ્યો
ભાવિન ફળજીભાઈ ગોહેલે જણાવ્યું કે, હું 5 વર્ષ પહેલાં હું વાડીએ બાઇક પર બેઠો હતો, ત્યારે 2 બળદ ઝઘડતાં-ઝઘડતાં મારા પર પડતાં ગંભીર ઇજા થઈ હતી. હોસ્પિટલમાં મારા પગ અને નસનું ઓપરેશન કરાયું હતું. જો કે નસ ડેમેજ થતાં મારો ડાબો પગ કપાવવો પડ્યો અને આર્ટિફિશિયલ પગ મેળવ્યા બાદ મારા પિતાને ખેતીવાડીમાં મદદ કરવાનું શરૂ કર્યું.
જિમથી મજબૂતી મળી
મારે માતા-પિતાની સેવા કરવાની હોય તેવા સમયે માતા-પિતા મારી સેવા કરતાં હતાં, તે હું જોઈ ન શક્યો. જેથી અમદાવાદમાં નોકરી શરૂ કરી અને સાથે જ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવાનું શરૂ
કર્યું, કારણ કે, હું અગાઉ આર્મીની પણ તૈયારી કરતો હતો.
બેડમિન્ટનની તાલીમ શરૂ કરી
આ દરમિયાન મારાં મેડમે મને સોસાયટીમાં બેડમિન્ટન રમતા જોયો. જે બાદ તેઓએ મને કહ્યું કે, તું બેડમિન્ટન સારું રમે છે. જે બાદ મારો સંપર્ક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોચ ચિંતન રાવલ પાસેથી 6 મહિનાથી તાલીમ લઈ રહ્યો છું. મારું સ્વપ્ન છે કે હું નેશનલ પેરાલિમ્પિક બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતું. આ સાથે મેરેથોનમાં રનિંગ પણ મારું ડ્રીમ છે. મેરેથોનમાં દોડવા માટે એડવાન્સ આર્ટિફિશિયલ પગની જરૂર પડે છે. જેમાં U આકારની કાર્બન પ્લેટ આવે, જેનાથી હું રનિંગ કરી શકું. જો કે, તે મારી પાસે નથી, પરંતુ કોઈ આ પ્રકારનો પગ મને ડોનેટ કરી શકે તેમ હોય તો હું પ્રેક્ટિસ કરી મેરેથોનમાં ભાગ લેવામાં માગું છું.


comments powered by Disqus