આસમાનને આંબતો ગુજરાતનો પતંગઉદ્યોગઃ રૂ. 600 કરોડનું ટર્નઓવર

Thursday 02nd January 2025 01:27 EST
 
 

અમદાવાદઃ ઉત્તર ભારતમાંથી વર્ષે દોઢ લાખ કારીગરો પતંગ બનાવવા માટે અમદાવાદ અને સુરત આવે છે. એકલું ગુજરાત રૂ. 950 કરોડના પતંગ બનાવીને સમગ્ર ભારતનું 65 ટકા માર્કેટ ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ અને સુરતના હાથમાં છે.
એક મહિના પહેલાથી પતંગના માર્કેટ સક્રિય થઈ જાય છ,ે પરંતુ માર્કેટની આપૂર્તિ માટે છ મહિના પહેલાં અમદાવાદના જમાલપુર, કાળુપુર, દરિયાપુર, રાયખડ, ઘીકાંટા, નારોલ, વટવા, જમાલપુર, રામોલ, ઓઢવ, ઈસનપુર, ગોમતીપુર, બાપુનગર, અમરાઈવાડી જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મસ્લિમ કારીગરો પતંગ બનાવવા અન્ય શહેરોથી આવે છે. ખાસ કરીને જયપુર, રાયબરેલી, મેરઠ, ગાઝિયાબાદ, ઇન્દોર જેવાં શહેરોમાંથી કારીગરો પતંગ બનાવવા અમદાવાદ આવે છે.
પતંગની બનાવટ માટે બટર પેપર, ટિશ્યૂ પેપર, લોકલ ઉપરાંત પોલિસ્ટર પ્લાસ્ટિક પેપરનો ઉપયોગ થાય છે. જેના માટે વાંસની સળીઓનો ઉપયોગ થાય છે. પતંગની ચારેય બાજુને બાંધવા દોરીનો ઉપયોગ કરાય છે. અત્યારે પતંગ પર થ્રી ડી પ્રિન્ટિંગ પણ કરવામાં આવે છે. પતંગ માત્ર લોકલ માર્કેટમાં જ નહીં, પરંતુ કોર્પોરેટ ગિફિંટગમાં પણ સ્થાન પામ્યા હોવાથી કંપનીઓ પોતાના કર્મચારીઓને પતંગ-ફિરકીની ભેટ આપતી હોવાથી કસ્ટમાઇઝ પતંગ પણ બજારમાં મળવા લાગ્યા છે. અમદાવાદમાં માત્ર રૂ. 2થી લઈ રૂ. 1000 અને રૂ. 5000ના પતંગો પણ મળે છે. પતંગના ભાવ તેની સાઇઝ, કાગળ અને વપરાયેલા મટિરિયલ્સ પર આધારિત છે.
અમદાવાદમાંથી અન્ય દેશોમાં પણ પતંગો એક્સપોર્ટ થાય છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, મધ્ય એશિયાઈ દેશોમાં અમદાવાદથી પતંગો જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પતંગની શોધ ચીનમાં થઈ હતી. ત્યારબાદ મુઘલો દ્વારા દિલ્હી અને ઉત્તર ભારત સુધી પહોંચ્યા હતા. જો કે આજે ગુજરાત સમગ્ર ભારતમાં સૌથી વધુ પતંગોનું ઉત્પાદન કરતું રાજ્ય છે અને અમદાવાદ અને સુરતમાં તેના સૌથી વધુ કારીગરો કામ કરી રહ્યા છે.
રંગબેરંગી હેટ-પિપૂડાંનું પણ માર્કેટ જામ્યું
ઉત્તરાયણને આડે હવે માંડ પખવાડિયું બાકી છે, ત્યારે પતંગ બજારમાં ભીડ જામી છે. શહેરના રાયપુર, કાલુપુર ટંકશાળ, જમાલપુર જેવા મોટા બજારમાં ખરીદીની રંગત જણાઈ રહી છે. આ સાથે જ રંગબેરંગી કેપ-હેટ અને અવનવા પિપૂડાં લોકોનું ધ્યાન આકર્ષી રહ્યાં છે.


comments powered by Disqus