ઉત્તરપ્રદેશના પિલીભીતમાં 3 ખાલિસ્તાની આતંકી ઠાર મરાયા

Thursday 02nd January 2025 03:07 EST
 
 

પિલીભીત: યુપીના પિલીભીત જિલ્લામાં પુરનપુર સેક્ટરમાં પોલીસ સાથેની અથડામણમાં ત્રણ ખાલિસ્તાની આતંકીને ઠાર કરવામાં આવ્યા. યુપી અને પંજાબ પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં તેમનો સફાયો કરાયો હતો. માર્યા ગયેલા ત્રણેય આતંકી ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના સભ્ય હતા. આ ત્રણેય આતંકી ગુરદાસપુર પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલામાં પણ સામેલ હતા. તેમની પાસેથી બે એકે - 47 રાઇફલ્સ, 2 પિસ્ટલ તેમજ 100થી વધુ કારતૂસ જપ્ત કરાયા છે. સોમવારે સવારે 5 વાગ્યે ત્રણેય આતંકીઓ શકમંદ ગતિવિધિ કરતા જણાયા હતા. પોલીસ દ્વારા તેમને પડકારાતા ફાયરિંગ શરૂ કર્યું હતું જેમાં સામસામા ગોળીબારમાં ત્રણેય ઠાર મરાયા હતા.
લંડનથી મદદ મળી
માર્યા ગયેલા ત્રણેય ખાલિસ્તાની આતંકવાદીના કેસમાં ચોંકાવનારી વિગતો મળી છે. આ આતંકીઓનો સૂત્રધાર એનઆઇએનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. એનઆઇએ તેને લાંબા સમયથી શોધી રહી છે. સૂત્રોના જણાવ્યા આ આતંકીઓને કુલબીરસિંહ સિદ્ધુએ લંડનથી નકલી આધારકાર્ડ મોકલ્યા હતાં. ઉપરાંત ત્રણેયને હોટેલ આશરો આપનારા સની ઉર્ફે જસપાલને કુલબીરે લંડનથી ફોન કર્યો હતો. કુલબીરે જ સનીના મોબાઈલ પર ત્રણેય ખાલિસ્તાનીઓના નકલી આધારકાર્ડ મોકલી રોકાણ કરવા દેવા કહ્યું હતું.


comments powered by Disqus