કોર્પોરેટ શ્રેષ્ઠતાની ભવ્ય ઊજવણીઃ IOD ઈન્ડિયાનો વાર્ષિક લંડન ગ્લોબલ કન્વેન્શન 2024 ઈવેન્ટ યોજાયો

Thursday 02nd January 2025 05:23 EST
 
 

લંડનઃ ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ (IOD) ઈન્ડિયાનો વાર્ષિક લંડન ગ્લોબલ કન્વેન્શન 2024 ઈવેન્ટ 13થી 16 નવેમ્બરના ગાળામાં યોજાયો હતો. કોર્પોરેટ ગવર્નન્સ, સસ્ટેનિબિલિટી અને લીડરશિપના શિખરને ઉજવતા ઈવેન્ટમાં વૈશ્વિક નેતાઓ, પોલિસીમેકર્સ અને વિઝનરીઝ ઉપસ્થિત રહ્યા હતા. ઝડપથી બદલાતા વૈશ્વિક ફલકના જટિલ પડકારોમાંથી પસાર થવાની વ્યૂહરચનાઓ શોધવાના ફોરમ તરીકે આ ઈવેન્ટ ‘બોર્ડ્સ સ્ટ્રેટેજી ફોર એ સિક્યોર ફ્યુચર એન્ડ ટર્નિંગ ડિસરપ્શન્સ ઈનટુ ઓપોર્ચ્યુનિટીઝ’ના થીમ સાથે નોંધપાત્ર બની રહ્યો હતો.
અધિવેશનમાં ચાવીરૂપ સંબોધનો, પ્લેનરી સેશન્સ, અને પેનલચર્ચાઓઓએ ઓડિયન્સને જકડી રાખ્યું હતું. યુકેના મિનિસ્ટર ફોર ટ્રેડ એન્ડ ઈકોનોમિક સિક્યુરિટી અને સાંસદ ડગ્લાસ એલેકઝાન્ડર ચીફ ગેસ્ટ હતા અને તેમણે ‘IOD કન્વેન્શન સોવિનીર 2024’ રીલિઝ કર્યું હતું. IOD એડવાઈઝરી કાઉન્સિલના ગ્લોબલ ચેર બેરોનેસ વર્માએ સ્વાગત પ્રચન કર્યું હતું. ભારત સરકારના નાણા મંત્રાલયમાં સેક્રેટરી એમ. નાગારાજુ IAS અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા. જનરલ એટોમિક્સ ગ્લોબલ કોર્પોરેશન યુએસએના સીઈઓ ડો. વિવેક લાલ, કિંગ્સક્લેરનો લોર્ડ હન્નાન, હીરો મોટર્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પંકજ એમ. મુંજાલ સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિષ્ઠિત અગ્રણીઓ પણ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા.
વાર્ષિક લંડન ગ્લોબલ કન્વેન્શનમાં લીડરશિપ એક્સેલન્સનું વિશિષ્ટ સન્માન એનાયત કરાયું હતું. ડાબર ઈન્ડિયાના ચેરમેન મોહિત બર્મનને ઈન્ડસ્ટ્રીઝને આકાર આપતા વિઝનરી યોગદાન બદલ IOD ડિસ્ટિંગ્વિશ્ડ ફેલોશિપ 2024થી સન્માનિત કરાયા હતા. સિએન્ટ ટેકનોલોજીના સ્થાપક ચેરમેન બી.વી.આર. મોહન રેડ્ડીને કોર્પોરેટ ઈનોવેશન્સમાં ઝળહળતી ભાવનાને આગળ વધારવા બદલ બિઝનેસ લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો હતો. નૈતિક નેતૃત્વ માટે અવિરત સમર્પણ અને સમાજ પર પરિવર્તનકારી પ્રભાવ બદલ યુકેના પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા તેમજ મુથૂટ માઈક્રોફિનના સીઈઓ સદાફ સઈદને IDEAL એવોર્ડ્સ એનાયત કરાયા હતા.
અધિવેશનમાં કિર્લોસ્કર બ્રધર્સ ઈન્ટરનેશનલના મેનેજિંગ ડાયરેક્ટર આલોક એસ. કિર્લોસ્કર, IDFC ફર્સ્ટ બેન્ક, ઈન્ડિયાના વડા પરિતોષ માથુર, એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન, યુકેના સીનિયર મેનેજિંગ ડાયરેક્ટર વિરલ ગઠાણી, ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ કાઉન્સિલ યુકેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માર્ક બેબિંગ્ટોન, યુએસએ સાન ફ્રાન્સિસ્કોની ડિસરપ્ટિવ ફ્યુચર્સ ઈન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ રોજર સ્પિટ્ઝ, સિફી ટેકનોલોજી ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એમ.પી. વિજય કુમાર સહિતના મહાનુભાવોની કામગીરીને બિરદાવાઈ હતી.
યુકેના મિનિસ્ટર ફોર ટ્રેડ એન્ડ ઈકોનોમિક એફેર્સ અને સાંસદ તુલિપ સિદ્દિકે તેમના પ્રવચનમાં યુકે-ભારત પાર્ટનરશિપના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. એમ. નાગારાજુ IASએ ફાઈનાન્સિયલ સિસ્ટમ્સને નક્કર વહીવટ સાથે સાંકળવાના મહત્ત્વ વિશે જણાવ્યું હતું.


comments powered by Disqus