જામનગર રિફાઈનરીનાં 25 વર્ષની ઉજવણીઃ ફિલ્મ કલાકારોનો જમાવડો

દેશની રિફાઇનિંગ ક્ષમતામાં જામનગરનું 25 ટકા યોગદાન

Thursday 02nd January 2025 01:26 EST
 
 

અમદાવાદઃ ભારતના ઊર્જાક્ષેત્રની કાયાપલટ કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર ખાતેની રિફાઇનરીને 25 વર્ષ પૂર્ણ થયા છે. 28 ડિસેમ્બર 1999ના શરૂ થયેલી વિશ્વની સૌથી મોટી રિફાઈનરીથી દેશની પેટ્રોલ અને ડીઝલની આયાત નિર્ભરતામાં ઘટાડો થયો છે.
રિફાઇનરીની જમીન હસ્તગત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અને રિલાયન્સ કોર્પોરેટ અફેર્સ વિભાગના ડિરેકટર પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, હું ભાગ્યશાળી છું કે મને ધીરુભાઈ અંબાણી સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો.
દેશમાં રિફાઈનિંગ ક્ષમતામાં જામનગર નં.1
રિલાયન્સ જૂથના સ્થાપક ધીરુભાઈ અંબાણીની દીર્ઘદૃષ્ટિ અને પ્રબળ ઇચ્છાશક્તિના પુરાવારૂપ આ રિફાઇનરી હાલમાં દેશની પેટ્રોલિયમ રિફાઈનિંગ ક્ષમતામાં 25 ટકાનું યોગદાન ધરાવે છે. જામનગરનું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ હાલમાં, વિવિધ ગ્રેડના 247 ક્રૂડ અથવા ફીડસ્ટોકનું પ્રોસેસિંગ કરી દૈનિક 1.4 મિલિયન બેરલનું ઉત્પાદન કરે છે. આ રિફાઈનરીમાંથી વધારાનું ઈંધણ યુરોપ અને અમેરિકા નિકાસ થાય છે.
સલમાન સહિતના કલાકારો હાજર રહયા
જામનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉપરાંત બોલિવૂડ અભિનેતા સલમાનખાન, શાહરુખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાન ઉપરાંત સારા અલી ખાન, સૈફઅલી ખાનનો પુત્ર ઈબ્રાહીમ ખાન, ખુશી કપુર, હનીસીંઘ, અર્જુન કપુર સહિતના કલાકારો આવ્યા હતાં. સલમાનખાનનો જન્મદિવસ પણ અહીં જ ઊજવવામાં આવ્યો હતો.


comments powered by Disqus