અમદાવાદઃ ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ પંજાબી હતા પણ ગુજરાત સાથે તેમનો ગાઢ સંબંધ હતો. ડો. મનમોહનસિંહનાં ત્રણ દીકરી પૈકી વચ્ચેનાં દીકરી દામનસિંહ ગુજરાતના આણંદમાં ભણ્યાં હતાં, જ્યારે તેમના જમાઈ અશોક પટનાઇક ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે. અશોક પટનાઇક ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સાબરકાંઠામાં ફરજ બજાવી ચૂક્યા છે.
દામનસિંહ અને પટનાઇક વચ્ચે પરિચય ગુજરાતમાં જ થયો હતો અને બંને 1991માં પરણ્યાં ત્યારે પટનાઇક આઇબીમાં જતા રહ્યા હોવાથી દામનસિંહ અને પટનાઇક ગુજરાતમાં ના રહ્યા પણ તેમનો ગુજરાત સાથેનો સંબંધ છે.
અશોક પટનાઇક મૂળ ઓડિશાના છે પણ દિલ્હીમાં ભણ્યા છે. 1980માં દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવનારા પટનાઇકે યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને 1983માં ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ)માં જોડાયા. પટનાઇકને ગુજરાત કેડર ફાળવાઈ હતી. ગુજરાતમાં પટનાઇકનું પહેલું પોસ્ટિંગ 1985માં જૂનાગઢમાં હતું. જૂનાગઢમાં પ્રોબેશનર આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે એક વરસ સુધી કામ કર્યું હતું.

