નીતિશ ડામાડોળ સ્થિતિમાંઃ એનડીએ કે ‘ઈન્ડિયા’ ?

Thursday 02nd January 2025 07:19 EST
 
 

નવી દિલ્હી: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ટીમે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ‘ઈન્ડિયા' ગઠબંધનમાં જોડાવા આમંત્રણ આપતાં નીતિશ કુમાર ફરી ભાજપનો સાથ છોડી વિરોધી ગઠબંધનમાં જોડાશે એવી વાતો થવા લાગી છે. જો કે, રાજદના નેતા તેજસ્વી યાદવે નીતિશ કુમાર માટે દરવાજા કાયમી બંધ હોવાનું જણાવ્યું છે. ગત સપ્તાહે ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહે બોલાવેલી બેઠકમાં નીતિશ કુમાર હાજર રહ્યા નહોતા. ત્યાર પછી ભાજપના નેતાઓ તેમનો વિરોધ કરી રહ્યા છે. એવામાં નીતિશ સોમવારે પીએમ મોદીને મળવા દિલ્હી દોડ્યા હતા, પરંતુ તેમને ભાજપે ભાવ આપ્યો નહોતો, જેથી તેમણે વિલા મોંઢે પટના પરત ફરવું પડ્યું હતું.
એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળનાં ગઠબંધનોમાં કૂદાકૂદ કરનારા નીતિશ કુમાર 'પલટુ' તરીકે ખ્યાતનામ છે. છેલ્લા ચાર મહિનાથી બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવા કે ડો. બાબાસાહેબ આંબેડકર અંગેના ગૃહમંત્રીના વિવાદિત નિવેદન દરેક મામલે જેડીયુ ભાજપ સાથે છેડો ફાડે એવા અહેવાલો સતત આવતા રહે છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એક વાર પલટી મારીને ભાજપને છોડીને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે હાથ મિલાવી લે એવી શક્યતા છે. નીતિશ અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબના અપમાન અને કેન્દ્રીય બજેટમાં બિહારને અન્યાયના મુદ્દે 1 ફેબ્રુઆરી પછી ભાજપને છોડીને ફરી તેજસ્વી યાદવ સાથે મળીને સરકાર રચશે એવું કહેવાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં નિવેદન આપેલું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમાર એનડીએના મુખ્યમંત્રીપદના ઉમેદવાર નથી અને ચૂંટણી પછી ધારાસભ્યો કોણ મુખ્યમંત્રી બનશે એ નક્કી કરશે. નીતિશ કુમાર શાહના નિવેદનથી ભડકી ગયા છે. નીતિશ કુમારને લાગી રહ્યું છે કે, ભાજપે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને કોરાણે મૂકી દીધા એ રીતે હવે પોતાને પણ વાપરીને હડસેલી દેવાની ફિરાકમાં છે.


comments powered by Disqus