ભુજઃ કેન્દ્ર સરકાર દ્વારા અમલી પીએમ સૂર્યઘર યોજના - પીએમએસવાય તળે ભુજ વર્તુળ કચેરીને ત્રણ વર્ષમાં 22,800 ઘર પર સોલાર પેનલ લગાવવા લક્ષ્યાંક અપાયું છે. એપ્રિલથી લાગુ યોજના તળે પશ્ચિમ કચ્છમાં અત્યાર સુધી 5048 લોકોની અરજી આવી છે, જે પૈકી 3450 ઘર પર સોલાર પેનલ લગાવાઈ ચૂકી છે.
યોજના વિશે વિગતો આપતાં ભુજ વર્તુળ કચેરીના અધીક્ષક ઇજનેર બી.સી. રાઠોડે જણાવ્યું હતું કે, સબસિડીના લાભ સાથેની આ યોજના માત્ર ઘર વપરાશનાં વીજ જોડાણો માટે અમલમાં મુકાઈ છે, જેમાં એક કિલોવોટ માટે 30 હજાર, બે કિલોવોટ માટે પણ એટલી જ રકમ અને ત્રણ કિલો વોટ માટે 18 હજારની સબસિડી અપાય છે. ભુજ, માંડવી અને નખત્રાણા વિભાગીય વીજકચેરી હેઠળના આ વિસ્તારોમાં છેલ્લા આઠ માસમાં 5048 જેટલા લોકોએ સોલાર પેનલ માટે અરજી કરી હતી, જે પૈકી 3450 ગ્રાહકોને ત્યાં મીટર લગાવી દેવાયાં છે. સૌથી વધુ ભુજમાં 1058, તો સૌથી ઓછા ખાવડા વીજકચેરી તળે 6 અરજી આવી છે.

