ગોધરાઃ એટીએસની ટીમે પશ્ચિમ વિસ્તારમાં રહેતાં બે ઉસ્માની ભાઈઓ સહિત ત્રણની અટકાયત કરી છે. પૂછપરછ કરીને ટીમ તેમને અમદાવાદ લઈ જવાયા હતા. ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં રહેતા બે ભાઈ અબ્દુલ ઉસ્માની અને મિયાઝ ઉસ્માની વર્ષ 2023 માં તેઓના સગા પાકિસ્તાન રહેતા હોવાથી પ્રસંગમાં પાકિસ્તાન ગયા હતા. બંને પાકિસ્તાન 25 દિવસ સુધી રહ્યા હતા. ભારતની ગુપ્તચર એજન્સીને બંને ભાઈ વધુ દિવસ પાકિસ્તાન રહેતાં શંકા ગઈ હતી અને એટીએસને જાણ કરી હતી.
આ અંગે એટીએસની ટીમ અગાઉ ગોધરા આવીને બંને ભાઈની પૂછપરછ કરીને રિપોર્ટ ભારતીય એજન્સીને સોંપ્યો હતો. બંને ભાઈઓની પાકિસ્તાનની યાત્રાને લઈને એટીએસએ પૂછપરછ સાથે દસ્તાવેજોની ચકાસણી કરી હતી. સતત 5 કલાક બંને ભાઈની પૂછપરછ કરીને એટીએસે અટકાયત કરી હતી. જ્યારે અન્ય શકમંદ હનીફ ભટુક નામના ઇસમની ગુપ્ત માહિતી મળતાં તેની પણ અટકાયત કરી હતી. 3 શકમંદોની અટકાયત કરીને એટીએસની ટીમ અમદાવાદ લઈ ગઈ હતી. એટીએસની ટીમે અટકાયત કરેલા ત્રણેય ઇસમોના પાસપોર્ટ પણ જપ્ત કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

