બોબી-ચરણજિતના નેટવર્કે હવાલાથી રૂ. 100 કરોડથી વધુ વિદેશ મોકલ્યા

Thursday 02nd January 2025 01:26 EST
 
 

અમદાવાદઃ ગુજરાતના ડિંગુચાનો પરિવાર કેનેડામાંથી અમેરિકા ઘૂસવા જતાં ઠંડીમાં ઠૂંઠવાઈ મર્યો એ કેસમાં બોબી પટેલ તથા તેના સાગરીતોને ત્યાં પડેલા દરોડામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે, તેમના દ્વારા ગુજરાતથી જ રૂ. 100 કરોડથી વધારે હવાલા મારફતે બહાર મોકલાયા છે. જેમાં ગુજરાતમાં જ ગેરકાયદે અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં મોકલતા 1700 એજન્ટ તેમજ ભારતભરના 3500 જેટલા એજન્ટ સામેલ છે. આ પૈકી 800 એજન્ટ એક્ટિવ હોવાનું જણાયું છે.
માનવ તસ્કરીના આ મામલામાં અમદાવાદ અને ગાંધીનગરમાંથી કામ કરતા ભાવેશ અશોકભાઈ ઉર્ફે બોબી પટેલ અને તેના સાગરીત ચરણસિંધ સહિત અન્ય એજન્ટોને ત્યાં ઈડીએ દરોડા પાડી ડિજિટલ ડિવાઇસ, દસ્તાવેજો, બેન્કની માહિતી અને કરોડો રૂપિયાના હવાલા કર્યા હોવાના પુરાવા જપ્ત કર્યા છે. જુદા જુદા બેન્ક ખાતામાં એક વ્યક્તિ પાસેથી એડવાન્સમાં લીધેલી રૂ. 19 લાખની રકમની એન્ટ્રી મળી છે. મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં પાડવામાં આવેલા દરોડામાં મળેલી વિગતો પ્રમાણે મુંબઈ અને નાગપુરની સંસ્થાઓ દ્વારા કેનેડાની કોલેજમાં એડમિશન કરાવી આપવામાં આવતું હતું. આ નેટવર્ક દ્વારા 25000 જેટલા વિદ્યાર્થીઓ એક સંસ્થા મારફતે અને બીજા 10,000 વિદ્યાર્થીઓ બીજી સંસ્થા મારફતે દર વર્ષે એડમિશન મેળવે છે.
112 જેટલી કોલેજોનું એક સંસ્થા સાથે તો બીજી 150 જેટલી કોલેજોનું બીજી સંસ્થા સાથે એગ્રીમેન્ટ ચાલતું હોવાનું પણ જણાયું છે. ડિંગુચા પરિવારના 4 સભ્યોનાં કડકડતી ઠંડીના કારણે કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવતી વખતે મોત નીપજ્યાં હતાં, જેમાં બે બાળકો પણ હતાં અને આ બંને એજન્ટો એક વ્યક્તિના બોર્ડર ક્રોસ કરાવવા માટેના રૂ. 50થી 60 લાખ લેતા હતા. રૂપિયા ન મળવાના કારણે ડિંગુચાના પરિવારને ગોંધી રાખવામાં આવ્યો હતો.


comments powered by Disqus