રાજકોટઃ વિશ્વમાં માત્ર 50 કેસ નોંધાયા છે, તેવો એક કેસ રાજકોટમાં નોંધાયો. રાજકોટમાં રહેતી એક મહિલાના નાકમાં દાંત ઊગ્યો. ઘણા સમયથી નાકમાં જમણી બાજુથી અવરોધ સાથે દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હોવાની સાથે ગંભીર માથાનો દુખાવો અને શરદીની સમસ્યાથી આ મહિલા પરેશાન થતી હતી. જો કે ડોક્ટરને બતાવતાં તેના નાકમાં દાંત ઊગ્યો હોવાનું નિદાન કરાયા બાદ તેની સફળ સર્જરી કરવામાં આવી. જે બાદ હાલમાં મહિલા સ્વસ્થ છે.
ઇએનટી સર્જને જણાવ્યું કે રાજકોટની 38 વર્ષીય મહિલાને 10 વર્ષથી નાકમાં જમણી બાજુ અવરોધ હતો. સ્થાનિક દવાઓથી રાહત ન મળતાં તેમણે મારો સંપર્ક કર્યો હતો. અહીં તેમના નાકની એન્ડોસ્કોપી અને સીટી સ્કેન કરતાં નાકમાં જમણી બાજુ દાંત જેવી રચના મળી હતી અને તે ગ્રેન્યુલેશન ટિશ્યૂ અને પ્રવાહીથી ઘેરાયેલી હતી. આને 'એક્ટોપિક ટૂથ' તરીકે ઓળખવામાં આવે છે, જે દાંત ખોટી જગ્યાએ ઊગે ત્યારે થાય છે.

