અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગત અઠવાડિયે ભરશિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અચાનક બદલાયેલા હવામાનને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કેમ કે માવઠાને પગલે એરંડા, રાયડા ઉપરાંત તુવેરને નુકસાન થયું છે. આ જોતાં ચોમાસુ પાક નિષ્ફળ જતાં હવે અન્ય શિયાળુ પાકમાં પણ ખેડૂતોને નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ વર્ષે ભારે વરસાદને કારણે ચોમાસામાં ખેતી બરબાદ થઈ હતી. વરસાદને લીધે ચોમાસું પાક નિષ્ફળ જતાં સરકારે પેકેજ જાહેર કરીને ખેડૂતોને મદદ કરવી પડી હતી. ત્યારે હવે શિયાળુ પાકને પણ નુકસાનથી ખેડૂતોને નુકસાન થયું છે.
એક તરફ રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાયા, જ્યારે બીજી તરફ બદલાયેલા હવામાનને લીધે ખેડૂતોના મોં પર ચિંતા છવાઈ છે. માવઠું થતાં એરંડામાં ઇયળો પડવા માંડી છે અને થુલિયાનો રોગ વકર્યો છે. ઉપરાંત રાયડામાં પણ મેલો મશી રોગને લીધે પાકને નુકસાન થાય તેમ છે. તુવેરમાં પણ ફૂલો આવવાના સમયે માવઠું વરસ્યું છે, જેથી ખેતરોમાં ઊભા પાકને નુકસાનની દહેશત છે. ઘઉંમાં પણ ભેજનું પ્રમાણ વધતાં અનેક સ્થળે ગેરુ નામનો રોગ થયો છે. આ સિવાય જીરુ, કપાસ સહિતના અન્ય રવીપાકમાં બદલાયેલા વાતાવરણથી જીવાત વધી છે. આમ ચોમાસામાં ભારે વરસાદથી તબાહ થયેલા ખેડૂતોનો શિયાળુ પાક પણ નિષ્ફળ જઈ રહ્યો છે. મોંઘું બિયારણ, ખાતર, જંતુનાશક દવાનો ખર્ચ કરી અથાગ મહેનત કર્યા પછી ખેતરોમાં પાક તૈયાર થયો છે, ત્યારે હવામાનમાં પલટાથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.

