મોઝામ્બિકમાં ફાટી નીકળેલી હિંસામાં ભરૂચના સીતપોણ ગામના 10 પરિવાર ફસાયા

Thursday 02nd January 2025 02:31 EST
 
 

ભરૂચઃ મોઝામ્બિક દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફિલિમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદાસ્પદ ચૂંટણીમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ત્યાં વસવાટ કરતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવાઈ છે. આ હિંસામાં અનેક ગુજરાતીઓ ઘરવિહોણા બન્યા છે, જેથી અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને રહેવા મજબૂર બન્યા છે, ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માગી રહ્યા છે.
ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા-રોજગારી માટે વિવિધ દેશમાં સ્થાયી થયા છે અને પરિવારજનોને આર્થિક મદદ કરી રહ્યા છે. આવા જ સાઉથ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે, જેમાં ભરૂચના અનેક શહેરના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે. સ્થાનિક ચૂંટણી અંગે ત્યાંની સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપ્યા બાદ તોફાનો ફાટી નીકળ્યાં છે, જેમાં ત્યાં રહેતા અને ધંધો કરતા અનેક ગુજરાતીની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવ બન્યા છે. આ ઘટના બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના સીતપોણ ગામના અંદાજિત 10 જેટલા પરિવાર ધંધાર્થે ત્યાં સ્થાયી થયા છે, જેમાં ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલા પરિવારના બે ભાઈ હાલમાં મોઝામ્બિકમાં રહીને વાસણની દુકાન ધરાવે છે. સીતપોણ ખાતે રહેતા મહેબૂબ માટલીવાલાએ જણાવ્યું હતું કે, તેમના બે ભાઈ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે, પરંતુ હાલમાં ત્યાં હિંસા ફાટી નીકળી છે ત્યાં તેમના ભાઈઓની દુકાનો અને મકાનો લૂંટી લેવાતાં તેઓ પોતાનું ઘર છોડીને લોકોના ઘરોમાં શરણાર્થી બન્યા છે. જેથી પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


comments powered by Disqus