વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા વડનગર પાસે ધરોઈમાં ટેન્ટસિટી ઊભું કરાશે

Thursday 02nd January 2025 02:31 EST
 
 

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધરોઈ ડેમ ટૂરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, ત્યારે કચ્છના રણમાં આવેલા ધોરડો અને ધોળાવીરાની જેમ હવે વડનગર નજીક ભરપૂર નૈસર્ગિક વાતાવરણ ધરાવતા ધરોઈ ખાતે પણ ટેન્ટસિટી ઊભું કરાશે. ધરોઈને ગ્લોબલ પ્રવાસીઓના આકર્ષણ સ્થળ તરીકે લોકપ્રિય બનાવવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ટેન્ટસિટી ઊભું કરવા ટેન્ડરિંગ પણ કરી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે 2023ના બજેટમાં ધરોઈમાં ટેન્ટસિટી ઊભું કરવાની જાહેરાત કરી હતી. ધરોઈમાં પ્રવાસીઓ રહી શકે તે માટે અંદાજે 15થી 17 હજાર ચોરસ મીટર જગ્યાના ડેમ વિસ્તારમાં 15 ટેન્ટ સાથે ટેન્ટસિટી ઊભું કરવાનું આયોજન કરાયું છે, જેમાં 2થી 3 વ્યક્તિ એક ટેન્ટમાં રહી શકે તેવા 12 એસી પ્રીમિયમ, લક્ઝરી ટેન્ટ અને એકસાથે 6 વ્યક્તિ રહી શકે તેવા 3 ડોરમેટરી ટેન્ટ હશે. આ સાથે એસી વીવીઆઇપી ડાઇનિંગ હોલ, રિસેપ્શન, વેઇટિંગ એરિયા, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પ્લેટફોર્મ અને લાઇટિંગ, આર્ટિસ્ટ માટે એસી ગ્રીનરૂમ, મેડિકલ ઇમર્જન્સી રૂમ, સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે જરૂરી બેઠક વિસ્તાર, પાર્કિંગ, પ્લાન્ટેશન સહિતની સુવિધા ઊભી કરાશે. પ્રવાસીઓને રહેવા-જમવા સાથે પેકેજની વ્યવસ્થા પણ હશે. સાબરમતી નદી પર આવેલ ધરોઈ ડેમથી મોઢેરાનું સૂર્યમંદિર, પાટણની રાણકી વાવ, વર્લ્ડ હેરિટેજ સિટી વડનગર, તારંગા, અંબાજી, પોળો ફોરેસ્ટ સહિતનાં સ્થળો 50થી 100 કિલોમીટર વિસ્તારમાં આવેલાં છે. એટલે ધરોઈ ટૂરિઝમનું સેન્ટર પોઇન્ટ છે.


comments powered by Disqus