શાળા દ્વારા અપાયેલી પ્રોજેક્ટ કિટની બેટરીમાં બ્લાસ્ટથી બાળકે આંખ ગુમાવી

Thursday 02nd January 2025 02:31 EST
 
 

વીરપુરઃ મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લાલસર ચોકડી પાસે આવેલી ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને શાળાના પ્રોજેક્ટના ભાગરૂપે રમકડાંની કિટ અપાઈ હતી. આ કિટમાં અપાયેલી રમકડાંની બેટરી ફાટવાથી ધોરણ-2માં ભણતા વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી છે.
વીરપુર તાલુકાના કોયડેમ ગામના આ બાળકને શાળામાંથી મળેલું રોબોટ રમકડું ઘરે લઈ જવા મળ્યું હતું. બાળક આ રમકડા સાથે રમતો હતો, ત્યારે અચાનક બેટરી ધડાકા સાથે ફાટી હતી. આ દુર્ઘટનામાં બાળકની આંખમાં ગંભીર ઇજા થઈ હતી અને શરીરના અન્ય ભાગે પણ ઇજા પહોંચી હતી.
બાળકને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને લુણાવાડા ખાતે આવેલ આયુષ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આંખની ગંભીર ઇજાના કારણે બાળકને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે, જે પરિવાર અને શાળા માટે દુઃખદ ઘટના છે. સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે.


comments powered by Disqus