આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ભલે દેશભરમાં થઈ રહી હોય, પરંતુ ભચાઉના છેવાડાના મોડપર અને ગોડપર ગામના વિદ્યાર્થીઓ માટે સાચી આઝાદીનો સૂરજ હવે ઊગ્યો છે. દેશને આઝાદ થયાનાં 75 વર્ષ બાદ પ્રથમ વખત ગામમાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે એસટી બસની સુવિધા શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લહેર છવાઈ હતી. ગામમાં પ્રથમવાર આવેલી બસનું ઢોલ-નગારાં સાથે સામૈયું કરાયું, તો ડ્રાઇવર-કંડક્ટરનું પણ સન્માન કરાયું.

