અમરેલીઃ દેશના પાઇલટને તાલીમ આપવા અમરેલીમાં ચાલી રહેલા સેન્ટરમાં એક મિની પ્લેન લેન્ડ થવા સમયે સાઇડમાં સરકી ગયું હતું. જેના કારણે પ્લેન ક્રેશ થતાં રહી ગયું હતું. આ ઘટનાના કારણે લોકોના જીવ તળાવે ચોંટી ગયા હતા. જો કે ઓથોરિટી દ્વારા તેને છુપાવવાનો પ્રયાસ થતો હોય તેમ આ મુદ્દે ભેદી મૌન સેવી લેવાયું છે.
અમરેલી એરપોર્ટ પર મિની પ્લેન રનવે પર લેન્ડિંગ થઈ રહ્યું હતું ત્યારે કોઈક કારણોસર રનવે પર સીધું રહેવાના બદલે નીચેની સાઇડમાં ત્રાંસું થઈને સરકી ગયું હતું. એરક્રાફ્ટ રનની નજીક જમીન પર સરકવા લાગતાં ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો થોડી પણ ઘર્ષણની પ્રક્રિયા બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. બીજી તરફ ઓથોરિટી દ્વારા સત્તાવાર રીતે કોઈ જ વિગતો જાહેર કરવામાં આવી નથી. આ ઘટના અંગે આશંકા સેવાઈ રહી છે કે તેમાં ટ્રેઇની પાઇલટ હતો.
