ભુજઃ પૂર્વ આઇપીએસ અધિકારી કુલદીપ શર્મા અને તેમના નાના ભાઈ તથા પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને ભુજ સેશન્સ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે બે જુદાજુદા કેસમાં તેમને અને અન્ય અધિકારીઓને નીચલી અદાલત દ્વારા મળેલી સજા સામે કરેલી અપીલો ફગાવી દીધી છે. કોર્ટે શર્માબંધુઓ સહિતના તમામ આરોપીને 15 દિવસમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે.
જમીન ફાળવણી કેસમાં પૂર્વ કલેક્ટરને સજાની વિગત એવી છે કે, પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા, નિવાસી નાયબ કલેક્ટર અજિતસિંહ ઝાલા, ટાઉન પ્લાનર નટુભાઈ દેસાઈ અને નાયબ મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિને મુન્દ્રામાં જિન્દાલ સો પાઇપ્સ લિમિટેડને ગેરકાયદે જમીન ફાળવવા બદલ નીચલી અદાલતે દોષી ઠેરવ્યા હતા. તેમને 5 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂ. 10 હજારનો દંડ ફટકારાયો હતો.
ભુજના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી. મહિડાએ તેમની અપીલ આંશિક રીતે નામંજૂર કરીને 5 વર્ષની સજા અને દંડનો હુકમ યથાવત્ રાખ્યો છે. જ્યારે 40 વર્ષ જૂના કેસમાં પૂર્વ આઇપીએસને સજાના કેસની વિગત એવી છે કે, 1984ના એક કેસમાં તત્કાલીન એસપી કુલદીપ શર્મા અને પીએસઆઇ ગિરીશ વસાવડાને પણ સજા થઈ છે. આ કેસમાં ઈભલા શેઠ નામની વ્યક્તિને પોલીસ કંટ્રોલરૂમમાં ગેરકાયદે ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો.

