ગરીબ બાળકોની જ્ઞાનસેવા કરતું અમેરિકાનું 80 વર્ષનું દંપતી

Wednesday 01st October 2025 05:51 EDT
 
 

સુરત: મૂળ બારડોલીના વાંકાનેરના વતની અને 55 વર્ષથી અમેરિકા- એટલાન્ટામાં રહેતું 80-79 વર્ષનું વૃદ્ધ દંપતી માત્ર ગરીબ બાળકોને ભણાવવા અને તેમને મદદ કરવા ખાસ ચીખલી આવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 80 વર્ષીય રમેશભાઈ દેવકીર્તિ પટેલ 55 વર્ષથી એટલાન્ટામાં રહે છે. પરિવારમાં 79 વર્ષીય પત્ની જ્યોતિબહેન, એક પુત્ર અને પુત્રી છે. નિવૃત્ત ઇજનેર રમેશભાઈ માને છે કે તેમની પાસે જ્ઞાન અને રૂપિયા બંને છે, જેનો ઉપયોગ સમાજના ગરીબ વર્ગને મળવો જોઈએ. જેથી 20 વર્ષથી તેઓ દરવર્ષે ગુજરાત આવીને વિવિધ સંસ્થામાં બાળકોને નિઃશુલ્ક ભણાવતા હતા.
10 વર્ષ પહેલાં તેઓ નવસારીના ચિખલી તાલુકાના કુકેરી ગામે માલવી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા વિદ્યાલય ‘વાત્સલ્યધામ આશ્રમ’ આવ્યા હતા. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પરિમલ પરમારે જણાવ્યું કે, અમારી સંસ્થામાં ગરીબ બાળકોને નિઃશુલ્ક રહેવા સાથે ભણાવવામાં આવે છે. રમેશભાઈ અને જ્યોતિબહેન દસેક વર્ષથી અમારી સંસ્થામાં આવીને અહીં રહીને બાળકોને નિઃશુલ્ક ભણાવે છે. દરવર્ષે જાન્યુઆરી-ફેબ્રઆરીમાં રમેશભાઈ અને જ્યોતિબહેન આવે છે અને ગણિત ભણાવે છે, તો જ્યોતિબહેન અંગ્રેજી
ભણાવે છે.
તેઓ માત્ર જરૂરિયાતમંદ બાળકોને ભણાવતાં જ નથી, પરંતુ તેમને હાયર એજ્યુકેશન માટે સુવિધા પણ પૂરી પાડે છે. હોશિયાર વિદ્યાર્થી હોય તેનું કોલેજમાં એડમિશન થાય તેની વ્યવસ્થા કરી આપે છે. ઉપરાંત તેમનો અભ્યાસનો તમામ ખર્ચ રમેશભાઈ ઉપાડે છે. જ્યોતિબહેન 65 વર્ષ પહેલાં સુરતમાં ભણ્યાં છે. રમેશભાઈએ જણાવ્યું કે, ગરીબોને ગરીબીથી બહાર કાઢવા માટે શિક્ષણ સૌથી મહત્ત્વનો ઉપાય છે. એક બાળક ભણે એટલે તેઓ તેમનાં સંતાનને ભણાવે, આવી
રીતે ગરીબોને શિક્ષણ આપીને સમાજમાં આગળ લાવી
શકાય છે.


comments powered by Disqus