ચોટીલાઃ પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર ગુજરાતનો પ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ રાઇડથી ભક્તો માત્ર 5 મિનિટમાં જ મા ચામુંડાના દ્વારે પહોંચી શકશે. પ્રોજેક્ટ અંગે ચોટીલા મહંત મનસુખગિરિએ જણાવ્યું કે આગામી ચૈત્ર નવરાત્રી સુધીમાં આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય એવી આશા છે. પ્રોજેક્ટ વૃદ્ધ, અશક્ત અને બીમાર ભક્તો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે, તેમજ આના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાશે.
આ અંગે ચોટીલા મહંત મનસુખગિરિ ગોસાઈએ કહ્યું કે, ચોટીલાનાં પગથિયાં પાસે આ ફ્યુનિક્યુલર સિસ્ટમ કાર્યરત્ થશે. ફ્યુનિક્યુલર કોચ એટલે કે સિંગલ કોચવાળી ટ્રેન, જેના 6 કોચ ઉપર જશે અને 6 કોચ નીચે આવશે, એમ કુલ 12 કોચ કાર્યરત્ થશે, જેમાં એક કોચમાં 6 વ્યક્તિ બેસી શકશે. હાલમાં આ પ્રોજેક્ટનું 30થી 35 ટકા કામ થઈ ગયું છે.

