અંબાજીઃ શક્તિધામ અંબાજીમાં જગતજનની જગદંબાના આરાધનાના ભાગરૂપે ચાચર ચોકમાં અદ્ભુત ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં 1111 કન્યાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયું હતું, જેમાં બહ્મસમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજીમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ બહ્મભોજન કરાવતા પહેલાં નાની બાળકીઓને સાક્ષાત દેવીસ્વરૂપે માની તેમનાં ચરણ ધોવામાં આવ્યાં હતાં, ત્યારબાદ તિલક કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું પૂજન કરાયું હતું. આ વિશિષ્ટ આયોજનનો મુખ્ય હેતુ માતા ભગવતીનાં વિવિધ સ્વરૂપોનું સન્માન કરવાનો અને સમાજમાં નારીશક્તિના ગૌરવને વધારવાનો હતો. કન્યાપૂજનનાં દિવ્ય દૃશ્ય નિહાળીને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
અંબાજી ખાતેના ચાચર ચોકમાં યોજાયેલ કન્યાપૂજન કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે, તેનું સંપૂર્ણ આયોજન અંબાજી ગામનાં સરપંચ કલ્પનાબહેન હેમંતભાઈ દવે સહિત ગામજનોએ લોકફાળાથી કર્યું હતું. ગામ લોકોએ માતૃશક્તિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આસ્થાને પ્રગટ કરવા ઉદાર હાથે ફાળો આપ્યો હતો. પૂજન થયા બાદ તમામ 1111 કન્યાને ભેટસ્વરૂપે ચણિયાચોળી અને શૃંગારની સામગ્રી
અપાઈ હતી. અંબાજીમાં યોજાયેલા કન્યાપૂજન કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યો છે, જેનું સર્ટિફિકેટ પણ ચાચર ચોકમાં જ અપાયું હતું.

