તામિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ, 6 બાળકો સહિત 41નાં મોત

Wednesday 01st October 2025 05:52 EDT
 
 

ચેન્નઈઃ તામિલનાડુના કરૂરમાં શનિવારે તમિલગા વેત્રી કઝમગ -TVKના પ્રમુખ વિજય થલપતિની ચૂંટણી રેલીમાં ભાગદોડ મચી હતી, જેમાં 6 બાળકો સહિત 41 લોકોનાં મોત થયાં છે. ઘટના સમયે અભિનેતાથી નેતા બનેલા વિજય બસ પર ચઢી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
પરિસ્થિતિ બેકાબૂ થતાં વિજયે પોતાનું ભાષણ અટકાવ્યું હતું. તેમણે શાંતિની અપીલ કરતાં એમ્બુલન્સને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા રસ્તો આપવા કહ્યું હતું, પરંતુ રેલી સ્થળની આસપાસના રસ્તાઓ પર ભારે ભીડ હોવાથી એમ્બુલન્સને ઘટનાસ્થળે પહોંચવામાં સમય લાગ્યો હતો. રાજ્ય આરોગ્યમંત્રી સુબ્રહ્મણ્યમે ઘટનામાં 41 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી.
નાસભાગ કેમ થઈ?
વિજયની સ્થાનિક લોકો લગભગ 6 કલાકથી રાહ જોઈ રહ્યા હતા. વિજય થોડા સમય પછી પહોંચ્યા. તેઓ પહોંચતાની સાથે જ લોકો સ્ટેજ તરફ આગળ વધવા લાગ્યા. દરમિયાન 9 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ. વિજયે તેને શોધવા અપીલ કરી અને તે જ સમયે નાસભાગ મચી ગઈ હતી.
કરુર જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર વિજયને 10 હજાર સમર્થકો સાથે રેલી યોજવા મંજૂરી હતી, પરંતુ આશરે 50 હજાર લોકો એકઠા થયા હતા.
પોતાને ડીએમકે સામે ઊભા કરી રહ્યાા છે
વિજયે 2 ફેબ્રુઆરી 2024એ ટીવીકે બનાવી. વિધાનસભા ચૂંટણી 2026માં ઉતારવાની જાહેરાત કરી. તેના કારણે રાજ્યભરમાં રેલીઓ કરી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય લોકોને પાર્ટીનો એજન્ડા, વિધારધારા અને સુધારા યોજનાઓ સમજાવવી છે. તે પોતાને સત્તાધારી ડીએમકેના સૌથી મોટા વિરોધીના રૂપમાં રજૂ કરવા ઇચ્છે છે.
પાર્ટી સામે કાવતરાની આશંકા
વિજયની પાર્ટી TVK ના નેતાઓ સામે FIR કરાઈ છે. પાર્ટીએ મદ્રાસ હાઇકોર્ટમાં આ કેસની તપાસ કરવા અપીલ કરી છે. પાર્ટીએ કહ્યું છે કે, આ ભાગદોડ નથી પણ અગાઉથી પાર્ટીને અને વિજયને બદનામ કરવા રચાયેલું કાવતરું છે. એક્ટર વિજયની પાર્ટી તમિલગા વૈત્રી કઝગમ (TVK) એ કહ્યું હતું કે, કરુર રેલીમાં મચેલી ભાગદોડની સ્વતંત્ર તપાસ માટે તેઓ મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચના દરવાજા ખખડાવશે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, આ ઘટના આકસ્મિક નથી પણ એક કાવતરું છે.


comments powered by Disqus