અમરેલી: અમરેલીમાં ભાજપના સળગતા ઘરના કારણે વારંવાર એકબીજાનો દાવ લેવાની રમત ચાલે છે. તેમાં એક વિસ્ફોટક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે, જે પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વચ્ચેનો કથિત સંવાદ ગણાય છે. આ ઓડિયોમાં પાટિલ વેકરિયાને કહે છે કે, તારી ઈમેજ પહેલાં સારી હતી, હવે બગડતી જાય છે. આ ઓડિયો વિશે પ્રતિક્રિયા આપવાના બદલે કૌશિક વેકરિયાએ ફોન સ્વિચ ઓફ કરી દેતાં તર્ક-વિતર્કને વેગ મળ્યો છે.
ઓડિયોમાં સી.આર. પાટીલ કૌશિક વેકરિયાને કહી રહ્યા છે કે, કૌશિક મેં તને ફોન કર્યો પછી વ્હોટ્સએપ કોલ કર્યો, છતાં ફોન ન આવ્યો.
આ સમયે વેકરિયા તેમને કહી રહ્યા છે કે, સર તમારું લીલીયાનું કામ મેં શોર્ટઆઉટ કરી દીધું છે. અધિકારીઓને વાત કરી લીધી, મોટાભાઈના વિસ્તારનું હતું, તરત જ મેં કરી દીધું. જેના જવાબરૂપે પાટીલ કહે છે, તારે મને કહેવું તો જોઈએ મને ખબર તો પડે!
પાટીલે કહ્યું કે, તમારા કિલ્લાના કાંગરા... આખો કિલ્લો એકસાથે ના પડે... ધીમે ધીમે પડે... તું જો આ રીતે ધ્યાન નહીં આપે ને... એક સમયે તારી છાપ સારી હતી, હવે ધીમેધીમે બગડતી જાય છે. મને કોઈ મતલબ નથી. મેં જ તને મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે હવે તું બધું સાચવી શકીશ નહીં. આ તને ડેમેજ થઈ રહ્યું છે. હવે પછી ઈમેજ નહીં સુધરે તો નુકસાન થશે. તારા ઘણા દુશ્મનો છે. મને નથી લાગતું કે તું ચિંતીત હોય. એવું ન માનતા કે કોઈ કાંઈ કરવાનું નથી.

