પાવાગઢમાં આસો નવરાત્રીના છઠ્ઠા નોરતે 2 લાખ યાત્રાળુ ઊમટી પડ્યા હતા. ડુંગર પર વરસાદી વાતાવરણને લઈ વહેલી સવારથી જ રોપવે સેવા બંધ હોવાથી યાત્રાળુઓને પગપાળા ડુંગર ચડવાનો વારો આવ્યો હતો. જેને લઈ ડુંગર પર જતો પગપાળા રસ્તો યાત્રાળુઓથી ભરચક થઈ જતાં ઠેરઠેર જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. દર્શનાર્થીઓ માટે મંદિરના નિજદ્વાર સવારે 3:45 વાગ્યે માતાજીની આરતી બાદ દર્શન માટે ખુલ્લા મુકાયા હતા. વહેલી સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં જ દોઢ લાખ જેટલા યાત્રાળુએ માતાજીનાં ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. બપોરે માચીથી ભદ્રકાળી તરફ જવાના રસ્તા પર એક યાત્રાળુ નીચે પડી જતાં પોલીસે રોપ-વે કંપનીના કર્મચારીઓની મદદ લઈ યાત્રીને સ્ટ્રેચરમાં માચી સુધી લાવી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.

