રાજકોટઃ યુનિવર્સિટી રોડ પરની બંસરી સોસાયટીમાં રહેતા અને પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર ગણાવનારા રમેશચંદ્ર ફેફરે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. રમેશચંદ્રનાં પત્ની અને પુત્ર લંડન રહે છે. ફેફરે સંપત્તિ પરિણીત પુત્રીના નામે કરી હતી.
60 વર્ષીય રમેશચંદ્ર હરજીભાઈ ફેફરે મંગળવારે સવારે પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રમેશચંદ્ર નિવૃત્ત જીવન ગાળતા હતા અને એકલા રહેતા હતા. તેમણે રાત્રે તેના ભાણેજ યોગેશ અઘેરાને મેસેજ કર્યો હતો કે, આ ફાની દુનિયા છોડીને વિદાય લઉં છું, કોઈ જવાબદાર નથી અને પોતાની સોના સહિતની તમામ સંપત્તિ પુત્રી ગીતાના નામે કરું છું. મેસેજ વાંચી યોગેશ અઘેરા ઘરે પહોંચ્યા તો રમેશચંદ્રનો મૃતદેહ લટકતો હતો. રમેશચંદ્ર ફેફરનો આપઘાત ‘મહાનતાના ભ્રમ' (delusion of grandeur) તરીકે ઓળખાતી માનસિક બીમારીનો એક કરુણ દાખલો છે.

