બર્થ-ડે બોયનો હત્યારો ‘સાઈકો કિલર’ એન્કાઉન્ટરમાં ઠાર

Wednesday 01st October 2025 05:52 EDT
 
 

ગાંધીનગરઃ અંબાપુર નર્મદા કેનાલ ઉપર યુગલની છરીની અણીએ લૂંટ કરીને યુવાનની હત્યા કરનારા સાઇકો કિલર વિપુલ પરમારનું ગાંધીનગર પોલીસે એન્કાઉન્ટર કર્યું છે.
અમદાવાદ ક્રાઇમાન્ચ પાસેથી સવારે કબજો મેળવ્યા પછી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા ઘટનાસ્થળે લઈ ગઈ હતી. ઘટનાસ્થળ પર ઉતારતી વખતે આરોપી વિપુલ પરમારે પીએસઆઇની રિવોલ્વર છીનવી ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ગાંધીનગર એલસીબીના બે પીઆઇએ સામું ફાયરિંગ કર્યું હતું. જેમાં પીઠ અને જાંધના ભાગે ગોળી વાગતાં હત્યા, લૂંટ સહિતના ડઝનબંધ ગુનાઓનો આરોપી વિપુલ પરમાર ઢળી પડ્યો હતો. ગાંધીનગરના અંબાપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર કારમાં બેઠેલા યુગલ પર છરીથી હુમલો કરીને યુવાન વૈભવ માલવાણીની હત્યા કરાઈ હતી, તેમજ તેની મિત્ર પર પણ હુમલો કર્યો હતો.
વિપુલ ઉર્ફે નીલ પરમારને ગત ઓક્ટોબર ૨૦૨૧માં ગાંધીનગર પોલીસ દ્વારા પ્રેમી યુગલની લૂંટ અને યુવકની હત્યાના ગુનામાં ઝડપી લીધો હતો. 2021ના આ ગુનામાં જેલમાં રહેલા વિપુલને ઓક્ટોબર 2024માં જામીન મળ્યાં હતાં. પંદર ગુના આચરી ચૂકેલો વિપુલે જામીન ઉપર છૂટ્યાના 11 મહિનામાં ફરી ગંભીર ગુનો આચરતા એન્કાઉન્ટર થયું છે.


comments powered by Disqus