માધાપરઃ એશિયાના સૌથી ધનિક ગામ માધાપરનો નવરાત્રી શણગાર જોવા જિલ્લાભરથી ઉત્સાહી લોકો ઊમટ્યા હતા. શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળ દ્વારા છેલ્લાં 45 વર્ષથી આ આયોજન દ્વારા સંસ્કૃતિનું સંવર્ધન થાય છે. અહીં 5થી 15 વર્ષનાં બાળકો અને બાળકીઓ અલગ-અલગ એજગ્રૂપ પ્રમાણે માતાજીની આરાધના કરે છે. તિરંગા, શિવજી, કૃષ્ણ, માતાજીની આરાધના કરતી વિવિધ થીમ પણ નક્કી કરાય છે. આ વર્ષે ગણેશચતુર્થી, જન્માષ્ટમી અને દિવાળી પર્વનો મહિમા દર્શાવતી ગાથા અને પ્રતિકૃતિ રજૂ કરી બાળકો અને આજની પેઢીને તહેવારોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું.
કાર્યક્રમના મુખ્ય આયોજક અરજણભાઈ ભુડિયાએ કહ્યું, પ્રાચીન સંસ્કૃતિ જીવંત રહે, બાળકોમાં સામાજિક અને ધાર્મિક ભાવનાનું સિંચન થાય તે માટે આ આયોજન સાડા ચાર દાયકાથી કરાય છે. એન્ટ્રીનો શણગાર મનમોહી લે છે. બેથી ત્રણ કલાક ચાલતા અહીંયા પ્રાચીન ગરબા નિહાળવા માધાપર જ નહીં, પરંતુ આસપાસનાં ગામડા-શહેરના લોકો મોટી સંખ્યામાં ઊમટે છે.

