અમદાવાદઃ સુપ્રસિદ્ધ રામ કથાકાર મોરારિબાપુએ સોમવારે સાહિત્યકાર ડો. ગુણવંત શાહના નિવાસસ્થાને પહોંચી તેમની સાથે મુલાકાત કરી હતી. ડો. ગુણવંત શાહને ગત અઠવાડિયે નાદુરસ્ત તબિયતના પગલે વડોદરાની હોસ્પિટલમાં 8 દિવસ માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમની સઘન સારવાર ચાલી હતી. હોસ્પિટલથી રજા બાદ ફરી સ્વસ્થતા મેળવતાં મોરારિબાપુએ તેમની મુલાકાત લઈ આરોગ્ય વિશે પૃચ્છા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં પણ ડો. ગુણવંત શાહની તબિયત નાદુરસ્ત થતાં મોરારિબાપુએ તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સોમવારની મુલાકાત દરમિયાન મોરારિબાપુએ ડો. શાહને કહ્યું હતું કે, ‘તમને યાદ જ કરતો નથી, યાદ આવો છો.’ તેમણે તાજેતરમાં બરસાનામાં રામકથા કરી હતી. તેઓ મુંબઈથી ચાર્ટર્ડ હેલિકોપ્ટર મારફતે તલગાજરડા જતાં અગાઉ વડોદરા રોકાયા હતા અને ડો. ગુણવંત શાહની ખબર-અંતર પૂછવા આવ્યા હતા. મોરારિબાપુ મૌન પાળતા હોવાથી તેમણે લખીને સંવાદ કર્યો હતો. ડો. ગુણવંત શાહે જણાવ્યું હતું કે, મોરારિબાપુએ સતત ટેલિફોનિક સંપર્ક
કરીને તબિયત વિશે જાણકારી મેળવી હતી.

